calendar_todayJanuary 23, 2026
Halvad News: ટીકર ગામે બ્રાહ્મણી નદીનો પુલ બન્યો ભયજનક, મસમોટું ગાબડું પડતા 15 ગામોનો સંપર્ક જોખમાયો
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા ટીકર ગામે બ્રાહ્મણી નદી પરના પુલ પર મસમોટું ગાબડું પડવાની ઘટના સામે આવી છે. આ પુલ આશરે 20 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો હતો, જે અત્યારે અત્યંત જર્જરિત અવસ્થામાં છે. આ પુલ ટીકર સહિત આસપાસના અંદાજે 15 જેટલા ગામોને જોડતો મુખ્ય માર્ગ હોવાથી, પુલની આ સ્થિતિને કારણે સ્થાનિક વાહન વ્યવહાર અને જનજીવન પર માઠી અસર પડી છે.
15 ગામને જોડતા પુલ પર ગાબડું પડયું
મહત્વની વાત એ છે કે, આ પુલ અગાઉથી જ જર્જરિત હોવાને કારણે તંત્ર દ્વારા તેને વાહન વ્યવહાર માટે સત્તાવાર રીતે બંધ કરવામાં આવ્યો હતો. તેમ છતાં, પુલ પર પડેલા નવા અને મોટા ગાબડાએ તંત્રની કામગીરી અને પુલની ગુણવત્તા સામે સવાલો ઉભા કર્યા છે. 15 ગામોના લોકોને અવરજવર માટે આ પુલ અનિવાર્ય હોવાથી, તેને બંધ રાખવામાં આવતા ગ્રામજનોને લાંબો ફેરો ખાવાની ફરજ પડી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પુલના નવીનીકરણ કે સમારકામ માટે વારંવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
વાહન વ્યવહાર માટે બંધ કરેલા પુલ પર ગાબડું
હાલમાં પુલ પર ગાબડું પડવાના કારણે તે ગમે ત્યારે ધરાશાયી થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. ચોમાસા દરમિયાન નદીમાં પાણીની આવક વધે ત્યારે આ જોખમ અનેકગણું વધી જાય છે. ગ્રામજનોની માંગ છે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં સરકાર દ્વારા આ પુલનું નવેસરથી નિર્માણ કરવામાં આવે અથવા યુદ્ધના ધોરણે મજબૂત સમારકામ કરવામાં આવે, જેથી ખેડૂતો અને વિદ્યાર્થીઓને પડતી હાલાકીનો અંત આવે.