calendar_todayAugust 30, 2026
Himatnagar: ડિગ્રીધારી સાસુ-વહુની જોડીએ ઘરની સાથે સંભાળ્યા ખેતરનાં શેઢા
રાજયના રાજ્યપાલના આહવાન પર રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનું એક અનોખું જનઆંદોલન ચાલી રહ્યું છે. રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોના અતિરેકથી ધરતીમાતાને બચાવવા અને નાગરિકોને શુદ્ધ આહાર પૂરો પાડવાના આ મહાયજ્ઞમાં સાબરકાંઠાના વડાલી તાલુકાનું ભવાનગઢ ગામ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. ભવાનગઢ ગામના નિવૃત્ત આચાર્ય અને તેમનો ઉચ્ચ શિક્ષિત પરિવાર આજે પરંપરાગત ખેતીની રૂઢિઓમાંથી બહાર આવીને પ્રાકૃતિક કૃષિના માધ્યમથી સમાજને ખેતરથી સીધું ઘર સુધી શુદ્ધ અને સાત્વિક આહાર પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરી રહ્યો છે.
ભવાનગઢના રહીશ અને નિવૃત આચાર્ય રાજેન્દ્રસિંહ ભૈરવસિંહ કુંપાવાતના પત્ની દક્ષાબા કુંપાવાત ઉચ્ચ શિક્ષણ ધરાવે છે, તેમજ મુંબઈ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલા 28 વર્ષીય પુત્રવધૂ આરતી મોહિતસિંહ કુંપાવાત સાથે મળીને આ સાસુ-વહુની શિક્ષિત જોડીએ ઘરના ઉંબરાની સાથે ખેતરના શેઢા સાંભળ્યા છે અને પ્રાકૃતિક કૃષિને અપનાવી છે. એટલું જ નહીં તેમની દીકરી રિદ્ધિએ આયુર્વેદનો ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરીને ખેતરમાં જ વિવિધ ઔષધિઓ ઉગાડીને આયુર્વેદિક હેર ઓઈલ જેવી મૂલ્યવર્ધિત પ્રોડક્ટ્સ બનાવવાનું સાહસ શરૂ કર્યું છે. કુંપાવત પરિવારે પોતાના ઘરમાં એવો આદર્શ સ્થાપિત કર્યો છે કે તાજેતરમાં પરિવારના બે બાળકોના લગ્નપ્રસંગે મહેમાનોને બજારના કેમિકલયુક્ત કે ભેળસેળવાળા શાકભાજી, દૂધ, દહીં, છાશ કે પનીરના બદલે સંપૂર્ણપણે પોતાના ખેતરમાં જ જૈવિક પદ્ધતિથી પકવેલું શુદ્ધ ભોજન પીરસીને સમાજ સમક્ષ નવો ચીલો ચાતર્યો હતો. આ પરિવાર પાસે 10 ભારતીય નસ્લની દેશી ગાયો છે, જેના ગોબર અને ગૌમૂત્ર આધારિત જીવામૃત અને ઘનજીવામૃતના ઉપયોગથી તેઓ કૃષિલક્ષી જમીનનું અમૃત તત્વ જાળવી રહ્યા છે. કુંપાવાત પરિવારે પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત પાકોનું શ્રોષ્ઠ મૂલ્યવર્ધન કરીને ઓજસત્વ બ્રાન્ડ હેઠળ 30થી વધુ ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ બજારમાં મૂકી છે. જેમાં તુવેર, અડદ, મગ, ચણાદાળ, દેશી ચણા, કાબુલી ચણા, ચોળા, આખી તુવેર, લસણ, ડુંગળી, કેળા, પપૈયા, હળદર, બાજરી-મકાઈનો લોટ, બીટરૂટ પાવડર, આમળા પાવડર, મેથી, સુકા ધાણા, કસ્તુરી મેથી, રાઈ, કાળા તલ, જવ, બંસી ઘઉં, મકાઈ રાતરું, લીંબુ, શુદ્ધ સિંગતેલ અને ગીર ગાયનું ચોખ્ખુ ઘી સીધુ જ ગ્રાહકો સુધી પહોંચે છે. આજના આકર્ષક અને ચમકદાર બજારમાં પ્રોડક્ટ્સને પોલિશ કરવા માટે વપરાતા રસાયણો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તેથી ઓજસત્વની દાળ કે કઠોળ પર કોઈપણ પ્રકારનું આર્ટિફિશિયલ પ્રોસેસિંગ કરવામાં આવતું નથી. માત્ર ન્યૂનતમ જરૂરી પ્રક્રિયા કરીને તેના કુદરતી પોષક તત્વો અકબંધ રાખવામાં આવે છે. વડાલીના કુંપાવત પરિવારની આ પહેલ સાબરકાંઠા સહિત ગુજરાતના ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ તરફ વળવાનું સચોટ દિશાદર્શન પૂરું પાડે છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો