android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Himatnagar: સાબરકાંઠામાં ચૂંટણીની આખરી ચહલ પહલ : વિકાસ V/S વિવાદનો પ્રચાર

calendar_todayApril 22, 2026

Himatnagar: સાબરકાંઠામાં ચૂંટણીની આખરી ચહલ પહલ : વિકાસ V/S વિવાદનો પ્રચાર

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જિલ્લામાં નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોએ પ્રચાર અભિયાન તેજ બનાવી દીધુ છે ત્યારે કેટલાક ઉમેદવારો સરકારની વિકાસ યોજનાઓને આગળ ધરી મત માંગી રહ્યા છે જયારે હિંમતનગરમાં કોંગ્રેસના એક ઉમેદવાર ગમે તે કારણસર મતદારોનો સંપર્ક કરીને મતની સાથે પૈસા આપવાની અપીલ કરતા હોવાનો વિડીયો તથા વિગતો તાજેતરમાં સોશ્યિલ મીડીયામાં વાયરલ થઈ છે. જોકે છેલ્લી ઘડીએ જિલ્લામાં ઉમેદવારો ગમે તે કરવા માટે મજબુર બને તો નવાઈ પામવા જેવું નથી. હાલ તો ભાજપ-કોંગ્રેસ સહિત અપક્ષો જાહેરસભાઓ તથા ટોળારૂપે મતદારોનો સંપર્ક કરવા માટેના અભિયાનને આગળ ધપાવી રહ્યા છે. મળતી મહિતી મુજબ, ભાજપે લગભગ 20 ટકાથી વધુ ધનાઢય ઉમેદવારોને ટીકીટ આપી છે તો બીજી તરફ કોંગ્રેસમાં પણ કેટલાક ઉમેદવારો પૈસે ટકે કમ નથી. સાબરકાંઠા જિલ્લામાં મતદાનને આડે ગણતરીના દિવસો બાકી રહયા છે ત્યારે શુક્રવાર સાંજથી જાહેર પ્રચાર બંધ થઈ જવાનો છે ત્યારે તે પૂર્વે તમામ ઉમેદવારો મતદારોનો સંપર્ક કરવા માટે મરણીયા પ્રયાસ કરી રહ્યા છે. જિલ્લાના મોટાભાગના સ્થળે કોંગ્રેસ પણ ઉમેદવારોને ટીકીટ આપી ચુંટણીના જંગમાંથી ખસી જવાને બદલે હરીફ ઉમેદવારોને હંફાવવા માટે ઉમેદવારો ઉભા રાખ્યા છે ત્યારે આ ઉમેદવારો પણ પોતાની શક્તિ અને સમજને અનુરૂપ બનીને મતદારોને મત માટે આજીજી કરી રહ્યા છે. પરિણામ જે પણ આવે તે સ્વીકારવા માટે મોટાભાગના તમામ ઉમેદવારોએ અગાઉથી જ ખેલદિલી દાખવવાનું નક્કી કરી લીધુ હોવાને કારણે પરિણામ આવ્યા બાદ વિજેતાને હારેલા ઉમેદવાર સ્મિત આપીને મતદારોએ આપેલા જનાદેશનો સ્વીકાર કરીને હાર કે જીતથી હરખાયા વિના ફરીથી પોતાના કામે લાગી જાય છે. સાબરકાંઠામાં અત્યારે ભાજપના પ્રચારકો અનેક ઠેકાણે જઈને રેલી કે જાહેરસભાના માધ્યમથી મતદારોને આકર્ષવા માટે અવનવા નુસખા અજમાવીને ગરમીમાં પરસેવો પાડી રહયા છે ત્યારે લોક ચર્ચા મુજબ કોંગ્રેસે સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓમાં હજુ સુધી કોઈપણ ઠેકાણે જાહેરસભા અથવા તો રેલીનું આયોજન કર્યુ નથી પરંતુ તેઓ હાલ તો છુપા રૂસ્તમની જેમ જેતે વિસ્તારની સમસ્યાઓને આગળ કરી તેના ઉકેલ માટે કોંગ્રેસના ઉમેદવારને મત આપવાની અપીલ કરી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો