android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Hormuz માં અમારા નાવિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, 60 દેશોની યોજાયેલી બેઠકમાં ભારતે દુનિયાને ચેતવ્યા!

calendar_todayApril 3, 2026

Hormuz માં અમારા નાવિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, 60 દેશોની યોજાયેલી બેઠકમાં ભારતે દુનિયાને ચેતવ્યા!

મધ્ય પૂર્વમાં વકરી રહેલા યુદ્ધ અને ઈરાન-ઈઝરાયેલ વચ્ચેના સીધા સંઘર્ષની અસર હવે વૈશ્વિક સ્તરે દેખાઈ રહી છે. વિશ્વના સૌથી વ્યસ્ત અને મહત્વના દરિયાઈ માર્ગ ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' પર સર્જાયેલી નાકાબંધીને પગલે ઉભા થયેલા સંકટ અંગે ચર્ચા કરવા બ્રિટન દ્વારા એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય બેઠક બોલાવવામાં આવી હતી. આ ઓનલાઈન સમિટમાં ભારત સહિત વિશ્વના 60 થી વધુ દેશોએ ભાગ લીધો હતો.

ભારતની આકરી પ્રતિક્રિયા અને ખલાસીઓની સુરક્ષા

આ બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ અત્યંત ગંભીર મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે વિશ્વ સમક્ષ દુઃખ અને રોષ સાથે જણાવ્યું કે, "હોર્મુઝ કટોકટીમાં અત્યાર સુધીમાં જે જાનહાનિ થઈ છે, તેમાં માત્ર ભારતીય ખલાસીઓ જ માર્યા ગયા છે." અહેવાલો અનુસાર, વિદેશી જહાજોમાં ફરજ બજાવતા ત્રણ ભારતીય ખલાસીઓએ આ હુમલાઓમાં જીવ ગુમાવ્યા છે. ભારત માટે આ માત્ર આર્થિક નુકસાન નથી, પરંતુ તેના નાગરિકોની સુરક્ષાનો પણ મોટો પ્રશ્ન છે. મિસ્ત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, ખાડી ક્ષેત્રમાં વેપારી જહાજો પરના હુમલાની સીધી અસર ભારત પર પડી રહી છે.

વૈશ્વિક ઉર્જા સુરક્ષા સામે જોખમ

હોર્મુઝ સ્ટ્રેટ એ પર્શિયન ગલ્ફ અને ઓમાનના અખાત વચ્ચે સ્થિત એક સાંકડો પણ વ્યૂહાત્મક માર્ગ છે. વિશ્વના કુલ તેલ અને લિક્વિડ નેચરલ ગેસ (LNG) ના વેપારનો અંદાજે 20% હિસ્સો આ માર્ગેથી પસાર થાય છે. ઈરાનની સેના (IRGC) દ્વારા આ માર્ગને વર્ચ્યુઅલ રીતે અવરોધિત કરવામાં આવતા વૈશ્વિક બજારમાં ઈંધણના ભાવ આસમાને પહોંચ્યા છે. વિક્રમ મિસ્ત્રીએ ચેતવણી આપી હતી કે જો આ નાકાબંધી લાંબો સમય ચાલશે, તો તે વૈશ્વિક ઉર્જા સુરક્ષા માટે ગંભીર ખતરો બની રહેશે. ભારત જેવા દેશો, જેઓ પોતાની ઉર્જા જરૂરિયાતો માટે પશ્ચિમ એશિયા પર નિર્ભર છે, તેમના માટે પેટ્રોલ-ડીઝલનો પુરવઠો ખોરવાવો એ અર્થતંત્ર માટે જોખમી સંકેત છે.

શાંતિના મુદ્દા પર મૂકાયો ભાર

અમેરિકી પ્રમુખ ટ્રમ્પના આકરા વલણ અને અમેરિકા-ઈઝરાયેલ દ્વારા ઈરાનને નિશાન બનાવવાની રણનીતિ વચ્ચે ભારતે તટસ્થ પણ મક્કમ સ્ટેન્ડ લીધું છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે આ કટોકટીનો ઉકેલ બળપ્રયોગથી નહીં, પરંતુ માત્ર વાતચીત અને રાજદ્વારી પ્રયાસો દ્વારા જ શક્ય છે. ભારતે તમામ પક્ષોને તણાવ ઓછો કરવા અને સંઘર્ષના માર્ગેથી હટીને ટેબલ પર ચર્ચા કરવા અપીલ કરી છે.

આ પણ વાંચોઃ Donald trumpની મજાક પર ભડક્યા ફ્રાન્સના રાષ્ટ્રપતિ, તમારે ગંભીર થવું પડશે