calendar_todayAugust 30, 2026
India-Lao PDRના રાજદ્વારી સંબંધોના 70 વર્ષ, વિયેન્તિયાનમાં વિવિધ ક્ષેત્રે સહયોગ પર ચર્ચા
કેન્દ્રીય વિદેશ અને કાપડ રાજ્યમંત્રી પબિત્ર મારઘેરિટાએ 26થી 29 ઓગસ્ટ, 2026 દરમિયાન વિયેતનામ અને લાઓ PDRની સત્તાવાર રાજદ્વારી મુલાકાત પૂર્ણ કરી. ચાર દિવસની મુલાકાત દરમિયાન તેમણે બંને દેશો સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનાવવા તેમજ કાપડ, પ્રવાસન, શિક્ષણ અને સાંસ્કૃતિક સહયોગ અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરી.
વિયેતનામના વડાપ્રધાન સાથે મુલાકાત કરી
વિયેતનામ પ્રવાસ દરમિયાન રાજ્યમંત્રીએ હનોઈ સ્થિત હો ચી મિન્હ મકબરો ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે વિયેતનામના વડાપ્રધાન લે મિન્હ હંગ સાથે મુલાકાત કરીને દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત વિયેતનામ એકેડેમી ઑફ સોશિયલ સાયન્સિસ ખાતે તેમણે મુખ્ય વક્તવ્ય આપ્યું હતું.
મારઘેરિટાએ 'એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ ફાપ વાન પેગોડા ખાતે વૃક્ષારોપણ પણ કર્યું. તેમણે વિયેતનામના પ્રવાસન અને કાપડ ઉદ્યોગના અગ્રણી પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી અને બંને દેશો વચ્ચે આ ક્ષેત્રોમાં સહકારની તકો અંગે ચર્ચા કરી.
વ્યાપક દ્વિપક્ષીય વાટાઘાટો કરી
ત્યારબાદ 27થી 29 ઓગસ્ટ દરમિયાન રાજ્યમંત્રીએ લાઓ PDRની મુલાકાત લીધી હતી. આ મુલાકાત ભારત અને લાઓ PDR વચ્ચેના રાજદ્વારી સંબંધોના 70 વર્ષ પૂર્ણ થવાના અવસર સાથે વિશેષ મહત્વ ધરાવતી હતી. વિયેન્તિયાનમાં તેમણે લાઓ PDRના નાયબ વડાપ્રધાન તથા વિદેશમંત્રી થોંગસાવન ફોમવિહાને અને રક્ષા મંત્રી જનરલ ખામલિએંગ ઓઉથાકાયસોન સાથે વ્યાપક દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી.
મારઘેરિટાએ 'India-Lao PDR at 70' વિષયક સંયુક્ત સેમિનારમાં મુખ્ય વક્તવ્ય આપ્યું હતું. તેમણે ફલક-ફલમ નૃત્યના સંરક્ષણ તથા લાઓ PDRની નેશનલ આર્ટ્સ કોલેજના વિકાસ માટેના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. મુલાકાત દરમિયાન તેમણે લાઓ PDRના કાપડ અને પ્રવાસન ક્ષેત્રના હિતધારકો, ITEC તથા ICCRના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વિયેન્તિયાનમાં વસતા ભારતીય સમુદાય સાથે પણ સંવાદ કર્યો હતો.
આ પણ વાંચો : Manipurને મળશે 5માં મુખ્ય સચિવ, રાજીવ સિંહ ઠાકુરની નિમણૂકની શક્યતા