calendar_todayApril 30, 2026
INS Mahendragiri : ભારતીય નૌકાદળને મળ્યું ચોથું P17A સ્ટીલ્થ ફ્રિગેટ 'મહેન્દ્રગીરી'
ભારતના સરકારી શિપયાર્ડ મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL)એ ભારતીય નૌસેનાને પ્રોજેક્ટ-17A હેઠળ બનેલું ચોથું સ્ટેલ્થ ફ્રિગેટ ‘મહેન્દ્રગિરી’ સોંપ્યું છે. આ યુદ્ધપોત ટૂંક સમયમાં INS Mahendragiri તરીકે નૌસેનાના બેડામાં સામેલ થશે. ડિલિવરી દરમિયાન MDLના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કેપ્ટન જગમોહન અને પૂર્વી નૌસેનિક કમાન્ડના ચીફ સ્ટાફ ઓફિસર રિયર એડમિરલ ગૌતમ મરવાહાએ એક્સેપ્ટન્સ દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા.
જૂના Shivalik-class frigateનું અપગ્રેડેડ વર્ઝન
આ પ્રસંગે નૌસેના અને MDLના અનેક વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. પ્રોજેક્ટ-17A ભારતીય નૌસેનાનો આધુનિક સ્ટેલ્થ ફ્રિગેટ પ્રોગ્રામ છે, જે જૂના Shivalik-class frigateનું અપગ્રેડેડ વર્ઝન માનવામાં આવે છે. આ પ્રોજેક્ટ હેઠળ કુલ 7 અદ્યતન સ્ટેલ્થ ફ્રિગેટ્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેમાંથી કેટલાક MDL અને કેટલાક Garden Reach Shipbuilders & Engineers (GRSE) દ્વારા બનાવવામાં આવી રહ્યા છે.
6600 ટન વજન ધરાવતી ગાઈડેડ મિસાઈલ ફ્રિગેટ
‘મહેન્દ્રગિરી’ લગભગ 149 મીટર લાંબી અને આશરે 6600 ટન વજન ધરાવતી ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ છે. તે 28 નોટ્સથી વધુ ઝડપે દોડવાની ક્ષમતા ધરાવે છે અને લાંબા અંતરના ઓપરેશન માટે સક્ષમ છે. તેમાં લગભગ 150થી વધુ નૌસૈનિકો તૈનાત રહી શકે છે. હથિયારોની દ્રષ્ટિએ આ યુદ્ધપોતમાં બ્રહ્મોસ મિસાઈલ સહિત લાંબા અંતરની મિસાઈલ સિસ્ટમ્સ, 76 મીમી નૌસેનિક તોપ, ક્લોઝ-ઇન વેઈપન સિસ્ટમ (CIWS), તેમજ એન્ટી-સબમરીન ટોર્પીડો અને અદ્યતન સોનાર સિસ્ટમ્સ લગાવવામાં આવી છે. ઉપરાંત, તે મલ્ટી-રોલ હેલિકોપ્ટર ઓપરેશન્સ માટે પણ સક્ષમ છે.
‘મહેન્દ્રગિરી’ સ્ટેલ્થ ટેક્નોલોજીથી સજ્જ છે, જે તેને દુશ્મનના રડારથી બચવામાં મદદ કરે છે. આ પ્રોજેક્ટ ‘આત્મનિર્ભર ભારત’ અને ‘મેક ઈન ઈન્ડિયા’ પહેલને મજબૂતી આપતો મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. આવનારા સમયમાં આવા યુદ્ધપોતો ભારતીય નૌસેનાની શક્તિ અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતની વ્યૂહાત્મક સ્થિતિને વધુ મજબૂત બનાવશે.
આ પણ વાંચો : Haryanaમાં દેશની પ્રથમ હાઈડ્રોજન ટ્રેનનું સફળ ટ્રાયલ કરાયું, સ્વચ્છ અને ગ્રીન ટેકનોલોજી તરફ એક મોટું પગલું