android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Iran Israel War: ભારત સરકારે એડવાયઝરી કરી જાહેર, "શક્ય તેટલી વહેલી તકે ઈરાન છોડો"

calendar_todayApril 8, 2026

Iran Israel War: ભારત સરકારે એડવાયઝરી કરી જાહેર, "શક્ય તેટલી વહેલી તકે ઈરાન છોડો"

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સાથે બે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવ્યાના થોડા જ કલાકોમાં, ભારત સરકારે ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકો માટે એક નવી એડવાયઝરી જાહેર કરી છે. ભારતીય દૂતાવાસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ઈરાનમાં રહેતા તમામ ભારતીયોએ "શક્ય તેટલી વહેલી તકે" દેશ છોડી દેવો જોઈએ.

દૂતાવાસની કડક સૂચનાઓ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ઈરાન સ્થિત ભારતીય દૂતાવાસે પોસ્ટ કરીને નાગરિકોને સાવચેત કર્યા છે. દૂતાવાસે ભારપૂર્વક જણાવ્યું છે કે કોઈપણ નાગરિકે દૂતાવાસની પૂર્વ સલાહ કે પરવાનગી વિના કોઈપણ આંતરરાષ્ટ્રીય સરહદ તરફ જવાનો પ્રયાસ કરવો નહીં. સુરક્ષિત નિકાસ માટે દૂતાવાસ દ્વારા સૂચવવામાં આવેલા નિર્ધારિત માર્ગોનો જ ઉપયોગ કરવાની વિનંતી કરવામાં આવી છે.

શા માટે આ ઉતાવળ?

ગઈકાલે રાત્રે જ ટ્રમ્પે ઈરાનને ધમકી આપી હતી કે જો હોર્મુઝ સ્ટ્રેટ પરની નાકાબંધી હટાવવામાં નહીં આવે, તો "સમગ્ર સંસ્કૃતિનો નાશ થશે." જોકે, ત્યારબાદ 14 દિવસનો યુદ્ધવિરામ જાહેર થયો છે, પરંતુ ભારત સરકારને આશંકા છે કે આ યુદ્ધવિરામ માત્ર કામચલાઉ હોઈ શકે છે. 14 દિવસ પૂરા થયા બાદ પરિસ્થિતિ ફરી વણસી શકે છે, તેથી આ સમયગાળાનો ઉપયોગ ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા માટે કરવામાં આવી રહ્યો છે.

સુરક્ષા પ્રોટોકોલ અને હેલ્પલાઈન

અગાઉની એડવાઈઝરીમાં દૂતાવાસે ભારતીયોને આગામી 48 કલાક સુધી ઘરમાં જ રહેવા, લશ્કરી સ્થાપનો, પાવર ગ્રીડ અને બહુમાળી ઇમારતોના ઉપરના માળથી દૂર રહેવા જણાવ્યું હતું. કટોકટીના સમયે મદદ માટે દૂતાવાસે નીચેના નંબરો જાહેર કર્યા છે:

સંપર્ક નંબરો: +989128109115, +989128109109, +989128109102, +989932179359

ઇમેઇલ: cons.tehran@mea.gov.in

આ પણ વાંચોઃ  Iran Us War: યુદ્ધ વચ્ચે ટ્રમ્પનો મોટો દાવો, હવે મિડલ ઇસ્ટમાં સુવર્ણ યુગની શરૂઆત, વિનાશના વાદળો હટ્યા!