calendar_todayMarch 12, 2026
Iran-Isral War : એસ. જયશંકરે ઈરાનના વિદેશ મંત્રી સાથે 3 વખત કરી ચર્ચા, દરિયાઈ સુરક્ષા મુદ્દે થઈ વાતચીત: MEA
ઈરાનમાં વધતા સંકટ વચ્ચે ભારતે દરિયાઈ સુરક્ષા અને ઊર્જા પુરવઠાને લઈને મહત્વપૂર્ણ રાજનૈતિક પ્રયાસો શરૂ કર્યા છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને ઈરાનના વિદેશ મંત્રી વચ્ચે છેલ્લા કેટલાક દિવસોમાં ત્રણ વખત ચર્ચા થઈ છે. આ અંગે માહિતી આપતા રણધીર જયસ્વાલે જણાવ્યું કે છેલ્લી વાતચીત દરમિયાન ખાસ કરીને દરિયાી જહાજની સુરક્ષા અને ભારતની ઊર્જા સુરક્ષાથી જોડાયેલા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
ઈરાનમાં 9,000 જેટલા ભારતીયો હાલ હાજર
તેમણે ઉમેર્યું કે હાલની પરિસ્થિતિમાં વધુ વિગતો આપવી યોગ્ય નહીં ગણાય. ઈરાનમાં રહેલા ભારતીય નાગરિકોની સુરક્ષા પણ ભારત સરકાર માટે મહત્વનો મુદ્દો છે. ઉપલબ્ધ માહિતી મુજબ ઈરાનમાં અંદાજે 9,000 જેટલા ભારતીયો હાલ હાજર છે. તેમને સુરક્ષિત રીતે વતનમાં પરત લાવવા માટે ભારત સરકાર તરફથી પ્રયત્નો ચાલુ રાખવામાં આવ્યા છે.
ઈરાનના યુદ્ધજહાજને લઈને પણ મહત્વપૂર્ણ માહિતી સામે આવી
આ દરમિયાન ઈરાનના યુદ્ધજહાજને લઈને પણ મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુજબ, ઈરાનના ત્રણ યુદ્ધજહાજે 28 ફેબ્રુઆરીએ ભારતમાં ડોક કરવાની વિનંતી કરી હતી. તેમાંનું એક યુદ્ધજહાજ IRIS Lavan 4 માર્ચે કોચી ખાતે સફળતાપૂર્વક ડોક થઈ ગયું છે. પડોશી દેશોને ઊર્જા સહાય અંગે પણ ભારત સક્રિય રીતે વિચારણા કરી રહ્યું છે. ભારત પેટ્રોલિયમ ઉત્પાદનોનો મોટો નિકાસકાર છે અને ખાસ કરીને પડોશી દેશોને ઈંધણ પૂરૂ પાડે છે.
બાંગ્લાદેશ તરફથી ડીઝલ સપ્લાય માટે વિનંતી કરવામાં આવી છે, જેને સરકાર તપાસી રહી છે. 2017થી બાંગ્લાદેશને ડીઝલની નિકાસ મોટાપાયે ચાલુ છે. તે ઉપરાંત શ્રીલંકા અને માલદીવ્સ જેવા દેશોએ પણ ભારત પાસે ઊર્જા સહાય માટે વિનંતી કરી છે. સરકારના જણાવ્યા મુજબ કોઈપણ નિર્ણય લેતા પહેલા ભારતની રિફાઈનિંગ ક્ષમતા, ઘરેલુ માગ અને ડીઝલની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખવામાં આવશે.
આ પણ વાંચો : National News : ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં સમિતિની રચના, પેટ્રોલ, ગેસની સ્થિતિ અંગે રાખશે નજર