calendar_todayMay 10, 2026
ISI સમર્થિત આતંકી મોડ્યુલ સાથે જોડાયેલા ગેંગસ્ટરના નજીકના વ્યક્તિની દિલ્હી પોલીસે કરી ધરપકડ
દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચની એન્ટી ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ યુનિટે આંતરરાષ્ટ્રીય હથિયાર તસ્કરી અને આતંકી મોડ્યુલ સાથે જોડાયેલા વધુ એક આરોપીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ 45 વર્ષીય પ્રવીણ કુમાર ઉર્ફે ટિટ્ટૂ તરીકે થઈ છે, જે દક્ષિણ દિલ્હીના કુખ્યાત ગેંગસ્ટર રોહિત ચૌધરીનો નજીકનો સાથીદાર હોવાનું સામે આવ્યું છે. દિલ્હી પોલીસે તેના પર 2 લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું હતું.
કૂલ 14 આરોપીઓની ધરપકડ થઈ છે
પોલીસે આરોપી પાસેથી ઈટાલીમાં બનેલી એક સેમી ઓટોમેટિક પિસ્તોલ અને પાંચ જીવતા કારતૂસ જપ્ત કર્યા છે. આ સમગ્ર કેસમાં અત્યાર સુધી કુલ 14 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. અગાઉની કાર્યવાહીમાં પોલીસે 25 વિદેશી હથિયારો અને 221 જીવતા કારતૂસ પણ જપ્ત કર્યા હતા. આ કેસમાં UAPA હેઠળ પણ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.
આરોપી ગેંગસ્ટર રોહિત ચૌધરી માટે ખંડણી ઉઘરાવતો હતો
તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ આ આખા નેટવર્કને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIનું સમર્થન મળતું હતું. પોલીસને માહિતી મળી હતી કે પ્રવીણ કુમાર ગેંગ માટે વિદેશી હથિયારોની સપ્લાય કરતો હતો, જેના આધારે પોલીસે તેને ઝડપી લીધો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે પ્રવીણ કુમાર આયા નગર અને મહરૌલી વિસ્તારમાં વિવાદિત જમીનો પર કબજો કરાવવો, ગેરકાયદેસર પ્લોટિંગ અને ખંડણી વસૂલવા જેવા કાર્યોમાં પણ સામેલ હતો. પોલીસના જણાવ્યા અનુસાર, તે ગેંગસ્ટર રોહિત ચૌધરી માટે ખંડણી ઉઘરાવતો હતો અને ગેંગના અનેક ગેરકાયદેસર કામ સંભાળતો હતો.