calendar_todaySeptember 1, 2026
ISRO 4 સપ્ટેમ્બરે લોન્ચ કરશે GSLV-F17, ચીન-પાકિસ્તાન બોર્ડર પર રહેશે નજર
ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO) 4 સપ્ટેમ્બરે EOS-05 સેટેલાઈટનું લોન્ચિંગ કરવા જઈ રહી છે. આ સેટેલાઈટને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી સવારે 2:55 વાગ્યે GSLV-F17 રોકેટની મદદથી લોન્ચ કરવામાં આવશે. EOS-05ને પૃથ્વીથી આશરે 36,000 કિલોમીટર ઉપરની કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. આ સેટેલાઈટની ખાસિયત એ છે કે તે ભારતના મોટા વિસ્તાર પર સતત નજર રાખવાની સાથે એક જ વિસ્તારની તસવીરો વારંવાર મેળવી શકશે.
ભારતનો મહત્વપૂર્ણ સેટેલાઈટ બનશે
EOS-05 ભારતનો એવો મહત્વપૂર્ણ સેટેલાઈટ બનશે, જે ચક્રવાત, પૂર, વાદળ ફાટવા અને જંગલોમાં લાગતી આગ જેવી કુદરતી આફતો પર નજર રાખવામાં મદદ કરશે. સેટેલાઈટથી મળતી તસવીરોના આધારે પૂર કેટલા વિસ્તારમાં ફેલાયું છે અથવા ચક્રવાતથી કયા વિસ્તારો પ્રભાવિત થયા છે તેની માહિતી ઝડપથી મેળવી શકાશે. જંગલમાં આગ લાગવાના કિસ્સામાં પણ અસરગ્રસ્ત વિસ્તાર અંગે માહિતી મેળવવામાં મદદ મળશે.
ભૌગોલિક ફેરફારો પર નજર રહેશે
સેટેલાઈટથી મળતી માહિતીનો ઉપયોગ હવામાન વિભાગ, આપત્તિ વ્યવસ્થાપન સાથે જોડાયેલી ટીમો અને અન્ય સરકારી એજન્સીઓ કરી શકશે. આ ઉપરાંત ખેતી, જમીનના ઉપયોગ અને મોટા વિસ્તારોમાં થતા ભૌગોલિક ફેરફારો પર નજર રાખવામાં પણ EOS-05 ઉપયોગી સાબિત થઈ શકે છે. સરહદી વિસ્તારોમાં થતી ગતિવિધિઓ પર નજર રાખવામાં પણ આ સેટેલાઇટની ક્ષમતાનો ઉપયોગ થઈ શકે છે.
EOS-05ને એવી કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે જ્યાં તે પૃથ્વીની ગતિ સાથે સુમેળમાં પરિભ્રમણ કરશે. સામાન્ય રીતે પૃથ્વીની નજીકની કક્ષામાં ફરતા સેટેલાઈટ કોઈ ચોક્કસ વિસ્તાર ઉપરથી પસાર થયા બાદ થોડા સમય પછી ફરી ત્યાં પહોંચે છે. જોકે EOS-05ની કક્ષા તેને ભારતના મોટા ભાગ પર વારંવાર નજર રાખવાની ક્ષમતા આપશે.
GSLV Mk II રોકેટનો ઉપયોગ કરવામાં આવશે
GSLV-F17ની આ 19મી ઉડાન હશે. તેમાં GSLV Mk II રોકેટનો ઉપયોગ કરવામાં આવશે. આ રોકેટ આશરે 51.7 મીટર લાંબું અને લોન્ચ સમયે લગભગ 420.5 ટન વજનનું હશે. રોકેટ ત્રણ તબક્કામાં કામ કરીને પહેલા સેટેલાઈટને પ્રારંભિક કક્ષામાં પહોંચાડશે અને ત્યારબાદ તેને નિર્ધારિત કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે.
આ મિશનનું જોડાણ 2021ના EOS-03 મિશન સાથે પણ છે. 12 ઓગસ્ટ 2021ના રોજ GSLV-F10થી EOS-03નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ રોકેટના અંતિમ તબક્કામાં ટેક્નિકલ ખામી સર્જાતા સેટેલાઈટ નિર્ધારિત કક્ષામાં પહોંચી શક્યો નહોતો. હવે EOS-05 મિશન દ્વારા ISRO આ પ્રકારની સેટેલાઈટ સેવા ફરી શરૂ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રયાસ કરી રહ્યું છે.