calendar_todayOctober 18, 2026
Jammu Kashmir: સેનાના અધિકારીની પત્ની પર જાસૂસીનો આરોપ, ચીનના એજન્ટો સાથે સંપર્ક હોવાની શંકા
જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાના એક અધિકારીની પત્ની સામે દેશની સુરક્ષા સાથે જોડાયેલી સંવેદનશીલ માહિતી વિદેશી એજન્ટો સાથે શેર કરવાના આરોપમાં FIR નોંધવામાં આવી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. અહેવાલો મુજબ, વિદેશી ગુપ્તચર એજન્સીઓ સાથે જોડાયેલા લોકોનો સંપર્ક હોવાની શંકા છે, જેમાં ચીન સાથે જોડાયેલા લોકોનો પણ ઉલ્લેખ થયો છે. આ કેસ જમ્મુના ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. મહિલા સામે ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જોકે, અત્યાર સુધી મહિલા સામેના આરોપો સાબિત થયા નથી. 18 ઓક્ટોબરના અહેવાલો મુજબ, તેની પૂછપરછ ચાલી રહી છે પરંતું તેની ધરપકડ કરવામાં આવી નથી.
જમ્મુમાં નોંધાઈ FIR
જમ્મુ-કાશ્મીર પોલીસને મળેલી માહિતીના આધારે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, મહિલા દેશની સુરક્ષા સાથે જોડાયેલી સંવેદનશીલ માહિતી એકત્ર કરી રહી હતી અને તેને વિદેશી લોકો સુધી પહોંચાડતી હોવાની શંકા છે. આ કેસમાં ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટની કલમ 3 અને 4 તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 152 અને 61(2) હેઠળ FIR નોંધવામાં આવી છે. આ કલમો જાસૂસી, વિદેશી એજન્ટો સાથે સંપર્ક, દેશની સંપ્રભુતા અને અખંડિતતાને જોખમમાં મૂકતા કૃત્યો તથા ગુનાહિત કાવતરાં સાથે સંબંધિત છે
ચીન સાથે જોડાયેલા લોકોની ભૂમિકા અંગે તપાસ
કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે મહિલા વિદેશી ગુપ્તચર એજન્સીઓ સાથે જોડાયેલા લોકોના સંપર્કમાં હતી. આમાં ચીન સાથે જોડાયેલા લોકોનો પણ ઉલ્લેખ છે. તપાસકર્તાઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે મહિલા કોના સંપર્કમાં હતી અને તેની સાથે કયા પ્રકારની માહિતીની આપ-લે થઈ હતી. PTIના અહેવાલ મુજબ, મહિલા કેટલીક સંશોધન સંબંધિત પ્રવૃત્તિઓ કરી રહી હતી અને તપાસ એ પણ કરી રહી છે કે કોઈ માહિતી વિદેશી ગુપ્તચર એજન્ટો સુધી પહોંચાડવામાં આવી હતી કે નહીં.
સંવેદનશીલ દસ્તાવેજો અને ડિજિટલ માહિતી અંગે શંકા
તપાસ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ, મહિલા પાસે સંવેદનશીલ દસ્તાવેજો, તસવીરો અને ઇલેક્ટ્રોનિક ડેટા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ માહિતી એન્ક્રિપ્ટેડ સંચાર માધ્યમો દ્વારા વિદેશમાં રહેલા લોકો સાથે શેર કરવામાં આવી હોવાની પણ શંકા છે. મહિલા જમ્મુમાં છે અને તેની પૂછપરછ ચાલી રહી છે. તેની ધરપકડ કરવામાં આવી નથી. તપાસકર્તાઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે મહિલા વિદેશી સંપર્કોમાં કેવી રીતે આવી અને તેના સંશોધન સંબંધિત કામનો આ કેસ સાથે કોઈ સંબંધ છે કે નહીં. તપાસ પૂર્ણ થયા પછી જ આરોપો અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે.