android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Jamnagar: બંગાળમાં 50 વર્ષનો ખાડો પડયો છે જે ભાજપ વિકાસ દ્વારા પૂરશે : મોદી

calendar_todayMay 11, 2026

Jamnagar: બંગાળમાં 50 વર્ષનો ખાડો પડયો છે જે ભાજપ વિકાસ દ્વારા પૂરશે : મોદી

સોમનાથ ખાતેના સ્વાભિમાન પર્વ માટે અગાઉ જામનગરમાં રાત્રિ રોકાણ માટે આવી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકરો અને નાગરિકોનું અભિવાદન ઝીલ્યા બાદ કરેલા ટૂંકા પણ જોરદાર ભાષણમાં જણાવ્યું હતું કે, બંગાળની ચૂંટણીમાં આવેલા પરિવર્તનકારી પરિણામોથી પ્રથમવાર દૂર-દૂરના લોકોને પણ હાશકારો અનુભવાયો હોય તેવું મેં પહેલીવાર જોયું અને અનુભવ્યું છે. વડાપ્રધાનની જનસભામાં ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે જનમેદની ઉમટી પડી હતી.

રાત્રે 10:00 વાગ્યે જામનગરના લાલ બંગલા સર્કલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત અને અભિવાદન સમારોહમાં પ્રદેશ નેતાગીરી તેમજ જામનગર શહેર-જિલ્લાની નેતાગીરીએ તેઓનું પરંપરાગત રીતે સ્વાગત કર્યા બાદ વડાપ્રધાને કોઈપણ ઔપચારિકતા વગર સીધું જ પોતાનું વક્તવ્ય શરૂ કર્યું હતું.પ્રવચનની શરૂઆતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓના સંદર્ભે વડાપ્રધાને જણાવ્યું કે, આ વખતે ગુજરાતે કમાલ કરી દીધી છે અને વિધાનસભામાં જે થયું હતું તેના પણ રેકોર્ડ તોડી નાખ્યા છે. ગુજરાતની જનતાનો ભારતીય જનતા પાર્ટી માટે એક અનેરો પ્રેમ છે. વર્તમાન રાજનીતિની સ્થિતિ એવી છે કે આટલા લાંબા સમય સુધી જનસમર્થન મળતું રહે અને ઉત્તરોત્તર વધતું રહે તે એક ખૂબ મોટા અભ્યાસનો વિષય છે. આજે કદાચ ત્રણ અને ચાર પેઢી એવી હશે જે લગાતાર ગુજરાતમાં ભાજપ પર અવિરત આશીર્વાદ વરસાવી રહી છે. ગુજરાતે પણ વિકાસના ક્ષેત્રમાં બહુ મોટી હરણફળ ભરી છે. એક જમાનામાં મીઠા ઉત્પાદનમાં આપણે જે સ્થિતિમાં હતા, તે ગુજરાત આજે સેમિકન્ડક્ટરની ચીપ, મેટ્રોના કોચ અને આધુનિક રેલવેના એન્જિન બનાવે છે તથા વિમાન બનાવવાની તૈયારીમાં છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણીઓ તો કેટલીય લડયા અને કેટલીય જીત્યા, પરંતુ પહેલીવાર જોયું કે બંગાળની ચૂંટણીના પરિણામોએ દૂર-દૂર બેઠેલા લોકોને પણ હાશકારો અનુભવાવ્યો છે. મારા રાજકીય જીવનમાં ચૂંટણીના પરિણામનો આવો પ્રભાવ અને અનુભૂતિ પહેલીવાર થઈ છે. બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના 300 કાર્યકરોનાં બલિદાન લેવાયાં ત્યારે એક સંકલ્પ જાગ્યો હતો અને તે આજે સિદ્ધિમાં પરિણમ્યો છે. ભારતીય જનતા પાર્ટી બંગાળમાં પાછલા 50 વર્ષના ખાડાને પૂરીને વિકાસ કરશે તેવો વિશ્વાસ તેઓએ વ્યક્ત કર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો