android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Jamnagar News : તહેવારો ટાણે ફૂડ વિભાગનો સપાટો, 152 સ્થળોએ તપાસ, 353 કિલો વાસી ખોરાકનો કરાયો નાશ...

calendar_todaySeptember 1, 2026

Jamnagar News : તહેવારો ટાણે ફૂડ વિભાગનો સપાટો, 152 સ્થળોએ તપાસ, 353 કિલો વાસી ખોરાકનો કરાયો નાશ...

આગામી તહેવારોની ઉજવણીને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકાનું આરોગ્ય અને ફૂડ વિભાગ સંપૂર્ણ રીતે સતર્ક થઈ ગયું છે. તહેવારો દરમિયાન લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ખીલવાડ ન થાય તે હેતુથી ફૂડ વિભાગ દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત શહેરની હોટલ, રેસ્ટોરન્ટ, ફરસાણની દુકાનો તેમજ લારી-ગલ્લા સહિત કુલ 152 જેટલી ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી પેઢીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

353 કિલો વાસી ખોરાક અને 147 કિલો પસ્તીનો સ્થળ પર નાશ કરાયો

ફૂડ વિભાગની ટીમ દ્વારા કરવામાં આવેલી સઘન તપાસ દરમિયાન અનેક જગ્યાએથી ભારે બેદરકારી સામે આવી હતી. ચેકિંગ દરમિયાન અલગ-અલગ પેઢીઓમાંથી કુલ 353 કિલો જેટલો વાસી તથા અખાદ્ય ખોરાક અને નાસ્તો મળી આવ્યો હતો. આ ઉપરાંત, સ્વાસ્થ્ય માટે હાનિકારક એવી 147 કિલો પ્રિન્ટેડ પસ્તી (છાપાનો કાગળ) પણ જપ્ત કરવામાં આવી હતી. નાગરિકોના આરોગ્યને નુકસાન ન પહોંચે તે માટે ફૂડ વિભાગે આ તમામ અખાદ્ય ચીજવસ્તુઓ અને પસ્તીનો સ્થળ પર જ નાશ કરી દીધો હતો.

14 વેપારીઓને રૂ.22,500નો દંડ

નિયમોનું ઉલ્લંઘન કરનારી અને ગંદકી કે અસ્વચ્છતા રાખનારી 14 જેટલી પેઢીઓ સામે કડક પગલાં ભરીને કુલ રૂ. 22,500નો રોકડ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. તહેવારોના દિવસોમાં જ ફૂડ વિભાગ દ્વારા આ પ્રકારે આક્રમક અને સઘન કાર્યવાહી કરવામાં આવતાં ભેળસેળિયા અને અસ્વચ્છતા રાખતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તહેવારો દરમિયાન ચેકિંગની આ કામગીરી સતત ચાલુ રહેશે.

આ પણ વાંચો : Kheda News : મહુધામાં હિન્દુ યુવક પર હુમલા બાદ તંત્ર લાલઘૂમ, 48 દબાણો પર ફરી વળ્યું ‘દાદાનું બુલડોઝર’