calendar_todayFebruary 15, 2026
Jasdan: ઘેલા સોમનાથ મંદિર શિવમય બન્યું, પાલખી યાત્રા, રુદ્રાભિષેક અને 1008 દીવડાના શૃંગાર સાથે મહાશિવરાત્રીની ઉજવણી
મહાશિવરાત્રીના પાવન અવસરે જસદણ પાસે આવેલા સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ તીર્થધામ ઘેલા સોમનાથ મહાદેવ મંદિરે શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો હતો. વહેલી સવારથી જ 'હર હર મહાદેવ'ના જયઘોષ સાથે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું.
વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
મહાશિવરાત્રી નિમિત્તે ઘેલા સોમનાથ મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોની હારમાળા યોજાઈ હતી. વહેલી સવારે મંગળા આરતી બાદ ભગવાન સોમનાથનો ભવ્ય રુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો. આ વર્ષે ભક્તો માટે સવારે અને બપોરે એમ બે વખત રુદ્રાભિષેકની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત મંદિરમાં શિખર પૂજન અને ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું હતું.
કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિ
આ ધાર્મિક મહોત્સવમાં રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ખાસ હાજરી આપી હતી. તેમણે ભગવાન ઘેલા સોમનાથની મંગળા આરતી અને રુદ્રાભિષેક પૂજનમાં ભાગ લઈ આશીર્વાદ મેળવ્યા હતા અને સમગ્ર રાજ્યની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
પાલખી યાત્રા અને દીપમાળા
મંદિર પરિસરમાં દાદાની ભવ્ય પાલખી યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. સાંજની આરતી સમયે મંદિર પરિસરને 1008 દીવડાઓ પ્રજ્વલિત કરી ઝળહળતું કરવામાં આવ્યું હતું. ભગવાનને કરવામાં આવેલા વિશિષ્ટ શૃંગાર દર્શનનો લાહવો લેવા માટે આખું જસદણ અને પંથકના ગ્રામ્ય વિસ્તારોમાંથી માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.