android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Jetpur: નવાગઢ ચોકડી પાસે પાણીના ટેન્કરે એક્ટિવાને કચડ્યું, યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત

calendar_todayJuly 28, 2026

Jetpur: નવાગઢ ચોકડી પાસે પાણીના ટેન્કરે એક્ટિવાને કચડ્યું, યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત

જેતપુર શહેરમાં આવેલી નવાગઢ ચોકડી નજીક આજે એક હૃદયદ્રાવક અને લોહિયાળ માર્ગ અકસ્માત સર્જાયો હતો. દૈનિક અવરજવરથી ધમધમતી નવાગઢ ચોકડી પાસેથી હિરેન ભાયાણી નામનો યુવક પોતાનું એક્ટિવા મોટરસાયકલ લઈને પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા એક પાણીના ટેન્કરે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી.અકસ્માત એટલો ત્રાસદાયક હતો કે ટક્કર વાગતાં જ યુવક રોડ પર પટકાયો હતો અને પાણીના ટેન્કરના ભારેખમ ટાયર હિરેન ભાયાણીના શરીર પરથી ફરી વળ્યા હતા.

નવાગઢ ચોકડી નજીક  ટેન્કરે એક્ટિવાને જોરદાર ટક્કર મારી

ટેન્કરના વ્હીલ શરીર પરથી પસાર થઈ જતાં હિરેન ભાયાણીનું ઘટનાસ્થળે જ અત્યંત કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ યુવકના પરિવારજનો દોડી આવ્યા હતા અને સ્થળ પર જ ભારે આક્રંદ છવાઈ ગયો હતો. અકસ્માત સર્જાયા બાદ તુરંત જ આસપાસના સ્થાનિકો અને રાહદારીઓના મોટા ટોળાં એકઠા થઈ ગયા હતા. ભીડ ભેગી થતી જોઈને ટેન્કરચાલક પોતાના ટેન્કરને રસ્તા પર જ મૂકીને તકનો લાભ ઉઠાવી ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો.

ઘટનાસ્થળે જ કરૂણ મોત અને પરિવારમાં માતમ

બનાવ અંગેની જાણ થતાં જ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત સ્થળનું પંચનામું કરી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પોલીસે ટેન્કર કબજે કરીને ફરાર થઈ ગયેલા ટેન્કરચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો:  Kutch: ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટરનું અપહરણ કરી 5.55 કરોડની ક્રિપ્ટો ખંડણી વસૂલનાર 7 સાગરીતો પકડાયા