calendar_todayMarch 23, 2026
Junagadh: જોષીપરામાં પરિવાર ધાર્મિક પ્રસંગે બહાર ગયો અને 3 કલાકમાં 5.80 લાખની ચોરી
જૂનાગઢ શહેરના જોષીપરા વિસ્તારમાં તસ્કરોએ પોલીસને પડકાર ફેંકતી વધુ એક ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. એક પરિવાર ધાર્મિક પ્રસંગ નિમિત્તે ઘરની બહાર ગયો હોવાનો લાભ ઉઠાવી તસ્કરોએ માત્ર ત્રણ જ કલાકના ટૂંકા ગાળામાં ઘરના તાળા તોડી કુલ 5.80 લાખ રૂપિયાની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા છે.
જૂનાગઢના જોષીપરામાં લાખોની ચોરી
મળતી માહિતી મુજબ, જોષીપરા વિસ્તારમાં રહેતો એક પરિવાર જ્યારે ઘરે હાજર ન હતો અને કોઈ ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા માટે બહાર ગયો હતો, ત્યારે તસ્કરોએ આ તકનો પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો હતો. તસ્કરોએ અંદાજે 3 કલાકના સમયગાળામાં જ આખા ઘરની તપાસ કરી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત કુલ 5.80 લાખની માલમત્તા ચોરી લીધી હતી.
સોના-ચાંદીના દાગીના ચોરી
ચોરીની ઘટનાની જાણ થતા જ જૂનાગઢ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ઘરની આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસવાની કામગીરી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં કેટલાક શંકાસ્પદ ફૂટેજ હાથ લાગ્યા હોવાનું જાણવા મળ્યું છે, જેના આધારે પોલીસે તસ્કરોને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.