calendar_todayAugust 25, 2026
Junagadh News: બજેટ નામંજૂર થતાં વિકાસ કમિશનરે ઈટાળી પંચાયત બરખાસ્ત કરી, હવે વહીવટદાર મુકાશે
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાંથી એક મોટા રાજકીય અને વહીવટી સમાચાર સામે આવ્યા છે. માળીયા હાટીના તાલુકાની ઈટાળી ગ્રામ પંચાયતમાં લાંબા સમયથી ચાલી રહેલા રાજકીય વિવાદ અને આંતરિક ખેંચતાણના અંતે વિકાસ કમિશનર દ્વારા ગ્રામ પંચાયતનું વિસર્જન કરી તેને બરખાસ્ત કરવાનો સત્તાવાર આદેશ કરવામાં આવ્યો છે. પંચાયત વર્ષ 2026-27નું વાર્ષિક અંદાજપત્ર પસાર કરવામાં નિષ્ફળ રહેતાં ગુજરાત પંચાયત અધિનિયમની કલમ-253 હેઠળ આ આકરા પગલાં લેવામાં આવ્યા છે.
ગામના વિકાસ કામો અટકી પડ્યા હતા
ઈટાળી ગ્રામ પંચાયતમાં વર્ષ 2026-27ના અંદાજપત્રને મંજૂર કરવા માટે એક પછી એક એમ સળંગ ચાર-ચાર સામાન્ય બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. છતાં પણ સભ્યો વચ્ચેના મનભેદ અને વિરોધના કારણે બજેટ પર સમંતિ સાધી શકાઈ નહોતી. આખરે યોજાયેલા મતદાનમાં 5 સામે 4 મતોથી બજેટ અમાન્ય રહેતાં નામંજૂર થયું હતું. નિયમ મુજબ ગ્રામ પંચાયતનું બજેટ નિર્ધારિત સમયમર્યાદામાં પસાર કરવું વૈધાનિક રીતે ફરજિયાત હોય છે, પરંતુ પંચાયત પોતાની આ પ્રાથમિક અને વૈધાનિક ફરજ બજાવવામાં તદ્દન અસમર્થ રહી હતી. બજેટ ના મંજૂર થવાના કારણે ગામના વિકાસ કામો અટકી પડ્યા હતા અને સ્થાનિક લેવલે વહીવટી મડાગાંઠ સર્જાઈ હતી.
ઈટાળી ગ્રામ પંચાયત સામે કાયદેસરની કાર્યવાહી
આ ગંભીર બાબતે જૂનાગઢ જિલ્લા પંચાયત દ્વારા પણ ઈટાળી ગ્રામ પંચાયત સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે વિકાસ કમિશનરને સ્પષ્ટ ભલામણ મોકલવામાં આવી હતી. વિકાસ કમિશનર દ્વારા પંચાયતના હોદ્દેદારોને કારણદર્શક નોટિસ પાઠવીને ખુલાસો પણ માંગવામાં આવ્યો હતો. જોકે, નોટિસ આપ્યા છતાં પણ પંચાયતના સભ્યો વચ્ચેનો વિવાદ ઉકેલાયો ન હતો અને સ્થિતિ યથાવત રહી હતી. આથી, ગ્રામજનોના હિત અને ગામના અટકેલા વિકાસ કાર્યોને પુનઃ પાટા પર લાવવા માટે વિકાસ કમિશનરે ઈટાળી ગ્રામ પંચાયતને બરખાસ્ત કરવાનો અંતિમ આદેશ આપ્યો છે. હવે તંત્ર દ્વારા ગામનો વહીવટ સુચારુ રૂપે ચલાવવા માટે ઈટાળી ગ્રામ પંચાયતમાં ટૂંક સમયમાં જ વહીવટદારની નિમણૂક કરવામાં આવશે.