calendar_todayMay 2, 2026
Junagadh : RTO કચેરીમાં ઇન્સ્પેક્ટરે એજન્ટને રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી, એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો દાખલ
જૂનાગઢની RTO કચેરીમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ગંભીર ઘટના સામે આવી છે. RTO કચેરીમાં ફરજ બજાવતા ઇન્સ્પેક્ટર પંચાલ વિરુદ્ધ એક એજન્ટ પર હુમલો કરવા, જાતિ પ્રત્યે હડધૂત કરવા અને રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનાને પગલે સરકારી કચેરીઓમાં ચાલતી દાદાગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
રિવોલ્વર કાઢી એજન્ટને જાનથી મારી નાખવાની ધમકી આપી
મળતી માહિતી મુજબ, જૂનાગઢ RTO કચેરીમાં એજન્ટ તરીકે કામ કરતા વ્યક્તિ સાથે ઇન્સ્પેક્ટર પંચાલે બે અલગ-અલગ તારીખે મારપીટ કરી હતી. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ઇન્સ્પેક્ટરે એજન્ટને જાતિવાચક શબ્દો કહી અપમાનિત કર્યો હતો અને ગાળો ભાંડી હતી. એટલું જ નહીં, સત્તાના નશામાં ચૂર અધિકારીએ પોતાની રિવોલ્વર કાઢી એજન્ટને જાનથી મારી નાખવાની ધમકી આપી ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું.
બળજબરીથી એજન્ટના વાળ પકડી તેને નીચે માફી મંગાવી
ઘટનાની પરાકાષ્ઠા ત્યારે આવી જ્યારે ઇન્સ્પેક્ટરે બળજબરીથી એજન્ટના વાળ પકડી તેને નીચો નમાવ્યો અને પરાણે માફી મંગાવી તેનો વીડિયો ઉતાર્યો હતો. પીડિત એજન્ટે આ અંગે હિંમત દાખવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હરકતમાં આવી છે. ઇન્સ્પેક્ટર પંચાલ સામે IPC ની વિવિધ કલમો તેમજ એટ્રોસીટી એક્ટ (Atrocity Act) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા વીડિયો ફૂટેજ અને અન્ય સાક્ષીઓની પૂછપરછ કરીને તપાસ તેજ કરવામાં આવી છે. સરકારી અધિકારી દ્વારા આ પ્રકારનું અમાનવીય વર્તન અને શસ્ત્રનો દુરુપયોગ ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો---- Bhavnagar : સોની દંપતી હત્યાકાંડ, મિલકત અને દેવાએ પુત્રને બનાવ્યો કસાઈ, પુત્રવધૂએ રાજકોટથી શાર્પ શૂટર્સ બોલાવી કરાવી હત્યા