calendar_todayJanuary 31, 2026
Kalol માં ડિજિટલ એરેસ્ટનો ભયાનક કિસ્સો, 73 વર્ષના વૃદ્ધને 45 દિવસ કેદ રાખી 49 લાખ ખંખેર્યા
ગાંધીનગરના કલોલમાં સાયબર ક્રાઈમનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં 73 વર્ષના વૃદ્ધ અમરતભાઈ પ્રજાપતિને ઠગબાજોએ 45 દિવસ સુધી 'ડિજિટલ એરેસ્ટ' રાખી 49 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે. ગત 10 ઓક્ટોબરે ઠગબાજોએ દિલ્હી પોલીસના સ્વાંગમાં વૃદ્ધને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમના નામે 66 કરોડ રૂપિયાનું મોટું ફ્રોડ થયું છે. ધરપકડનો ડર બતાવી ઠગોએ વૃદ્ધને તેમના ઘરમાં જ કેદ રહેવા મજબૂર કર્યા હતા. આ દરમિયાન ઠગબાજો વૃદ્ધ પર એવી રીતે નજર રાખતા કે તેમણે દર કલાકે 'આઇ એમ સેફ' (I Am Safe) નો મેસેજ ઠગોને મોકલવો પડતો હતો.
‘ડિજિટલ જેલ’માં રહ્યા વૃદ્ધ
આ છેતરપિંડીમાં અભિમન્યુ અને નિરજ ઠાકુર નામના શખ્સોએ પોલીસ અધિકારી બની વૃદ્ધને વિશ્વાસમાં લીધા હતા અને કેસ પતાવવાના નામે ટુકડે-ટુકડે 49 લાખ રૂપિયા પડાવી લીધા હતા. 45 દિવસ સુધી માનસિક ત્રાસ અને ભયના ઓથાર હેઠળ રહ્યા બાદ, જ્યારે વૃદ્ધને છેતરપિંડીનો અહેસાસ થયો, ત્યારે તેમણે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાએ સાબિત કર્યું છે કે સાયબર ઠગો હવે વડીલોને લાંબા સમય સુધી માનસિક રીતે ટોર્ચર કરીને મોટી રકમ પડાવી રહ્યા છે.
આ પણ વાંચો : Surat News : પાર્કિંગ કોન્ટ્રાક્ટરોની ગુંડાગીરી, અન્નપૂર્ણા માર્કેટમાં પાર્સલ આપવા આવેલા યુવક પર હુમલો