android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Khambhat: વટાદરાના શ્રી રોકડિયા હનુમાન મઢી મંદિરે ભક્તિ, સેવા અને શિક્ષણનો ત્રિવેણી સંગમ

calendar_todayJune 14, 2026

Khambhat: વટાદરાના શ્રી રોકડિયા હનુમાન મઢી મંદિરે ભક્તિ, સેવા અને શિક્ષણનો ત્રિવેણી સંગમ

સમગ્ર ચરોતર પંથકમાં મીની સાળંગપુર તરીકે સુપ્રસિધ્ધ ખંભાત તાલુકાના વટાદરા ગામે આવેલ શ્રી રોકડિયા હનુમાન મઢી મંદિરમાં પવિત્ર અધિક માસ નિમિત્તે ભક્તિ, સેવા અને સમાજ કલ્યાણના ત્રિવેણી સંગમ સમાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હજારો હરિભક્તો, ગ્રામજનો, આગેવાનો અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમના મુખ્ય આકર્ષણરૂપે શ્રી રોકડિયા હનુમાન દાદાની ભવ્ય મહાઆરતીનું આયોજન કરાયું હતું. મહાઆરતીના પાવન અવસરે દાદાના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે વટાદરા સહિત આસપાસના અનેક ગામોમાંથી આશરે 8થી 10 હજાર હરિભક્તો ઉમટી પડયા હતા. મંદિર પરિસર જય શ્રી રામ અને જય હનુમાનના ગગનભેદી નાદથી ગુંજી ઉઠયું હતું. ચરોતર સહિત આસપાસના જિલ્લા ગ્રામ્યના ભાવિકોમાં મીની સાળંગપુર તરીકે ઓળખાતું આ પવિત્રધામ માત્ર આસ્થાનું કેન્દ્ર જ નહીં પરંતુ સમાજસેવાનું પણ જીવંત પ્રતીક બની રહ્યું છે. શિક્ષણના પ્રસાર અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખી દાતાઓના ઉદાર સહયોગથી વટાદરા તથા આજુબાજુના ગામોના વિદ્યાર્થીઓને આશરે 9000 ચોપડા(નોટબુક)નું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સત કર્મ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ વડું ગામના સમગ્ર ચોપડા પટેલ પરિવાર દ્વારા ઉપસ્થિત તમામ હરિભક્તો અને દર્શનાર્થીઓ માટે અલ્પાહારની સુવ્યવસ્થિત વ્યવસ્થા કરાઈ હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સેવાભાવી કાર્યકરો, યુવાનો અને ટ્રસ્ટના હોદ્દેદારોએ વ્યવસ્થાની જવાબદારી સફ્ળતાપૂર્વક નિભાવી હતી. ભક્તોની વિશાળ ઉપસ્થિતિ હોવા છતાં આયોજનમાં ઉત્તમ શિસ્ત અને સુવ્યવસ્થા જોવા મળી હતી. વટાદરા ખાતે યોજાયેલ આ મહાકાર્યક્રમે ભક્તિ સાથે સેવા અને શિક્ષણના મૂલ્યોને પણ સમાજ સમક્ષ ઉજાગર કર્યા હતા. ધાર્મિક આસ્થા સાથે માનવસેવાને પ્રાધાન્ય આપતી આવી પ્રવૃત્તિઓ સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવે છે અને નવી પેઢીને સંસ્કાર, શિક્ષણ અને સેવાભાવ તરફ્ પ્રેરિત કરે છે.કાર્યક્રમની ભવ્ય સફ્ળતા બદલ દાતાઓ, સત કર્મ ચેરીટેબલ ટ્રસ્ટ, વડું ગામના ચોપડા પટેલ પરિવાર, મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો, સેવાભાવી કાર્યકરો તથા સહયોગી ગ્રામજનોનો ઉપસ્થિત લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો