android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Kheda News: ભાનું ભરવાડ ગેંગે નાના ખેડૂતોથી લઈ બિલ્ડરો સુધી મચાવ્યો આતંક!

calendar_todayOctober 15, 2026

Kheda News: ભાનું ભરવાડ ગેંગે નાના ખેડૂતોથી લઈ બિલ્ડરો સુધી મચાવ્યો આતંક!

ખેડા જિલ્લામાં ગુનાખોરી અને માફિયાગીરી સામે પોલીસે લાલ આંખ કરી છે. નડિયાદ અને આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી ફાટીને ધૂમાડે ગયેલી કથિત ‘ભાનું ભરવાડ ગેંગ’ સામે પોલીસે ઐતિહાસિક કાર્યવાહી કરતા ખેડા જિલ્લાનો પ્રથમ GUJCTOC (ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ) હેઠળ ગુનો નોંધ્યો છે. ખેડા પોલીસના આ મોટા સપાટાથી ગુનાહિત તત્વો અને ભૂમાફિયાઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

નાના ખેડૂતોથી લઈને બિલ્ડરો સુધી આતંકનો શિકાર

સ્થાનિક વર્તુળો અને પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભાનું ભરવાડ ગેંગનો આતંક નડિયાદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ચિંતાજનક રીતે વધી રહ્યો હતો. આ ગેંગ દ્વારા નાના ખેડૂતો, સામાન્ય રહીશો અને સ્થાનિક બિલ્ડરોને ડરાવી-ધમકાવીને પરેશાન કરવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો થયા છે. જમીનો પચાવી પાડવી, હુમલા કરવા અને દાદાગીરી કરવી આ ગેંગની મુખ્ય કાર્યપદ્ધતિ બની ગઈ હતી.

સાઇટ પર માપણી સમયે દાદાગીરી અને બિલ્ડર પર હુમલો

તાજેતરમાં જ જાણીતા મન બિલ્ડરની બિલોદરા સ્થિત 'અક્ષય બંગલોઝ' સાઇટ પર જમીનની માપણી ચાલી રહી હતી તે દરમિયાન ભાનું ભરવાડ ગેંગના સાગરીતોએ ત્યાં પહોંચીને ભારે દાદાગીરી કરી હતી અને હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. આ ઉપરાંત, બિલ્ડર સંદીપ પટેલે પણ ગેંગ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સંદીપ પટેલને ધમકી આપીને તેમનો ફોન આંચકી લેતો વિડીયો પણ સામે આવ્યો છે, જે ગેંગની બેફામ દાદાગીરીની સાક્ષી પૂરે છે.

Kheda News: First GUJCTOC Case Filed in Kheda Against Bhanu Bharwad Gang

નિર્મલ નગર સોસાયટીનો કોમન પ્લોટ પચાવી પાડવાનો વિવાદ

આ ગેંગ સામે સૌથી ગંભીર મામલો નિર્મલ નગર સોસાયટીના કોમન પ્લોટ પર ગેરકાયદે કબજો કરવાનો સામે આવ્યો છે. રહીશોને સતત ડરાવી-ધમકાવીને કોમન પ્લોટ પચાવી પાડવાના મામલે વસંત સોઢા નામના નાગરિકે હિંમત દાખવીને ફરિયાદ નોંધાવી હતી. તમને જણાવી દઈએ કે, આ મામલે આશરે 2 મહિના પહેલાં જ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. વોન્ટેડ હોવા છતાં ભાનું ભરવાડ ગેંગના સાગરીતો વસંત સોઢાના ઘરે પહોંચી ધમકી આપતા હોવાના વીડિયો પણ વાયરલ થયા હતા.

ગેંગ સામે કુલ 33 ફરિયાદો, GUJCTOC હેઠળ સિકંજો કસાયો

પોલીસ તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે, ભાનું ભરવાડ ગેંગ સામે અત્યાર સુધીમાં અલગ-અલગ પોલીસ મથકોમાં કુલ 33 જેટલી ગંભીર ફરિયાદો નોંધાઈ ચૂકી છે. સતત વધતી જતી સંગઠિત ગુનાખોરીને નાથવા માટે ખેડા પોલીસે અંતે આ ગેંગ સામે ગુજસીટોક જેવી કડક ધારા હેઠળ કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. પોલીસની આ આકરી કાર્યવાહીથી પ્રજાએ રાહતનો શ્વાસ લીધો છે.


આ પણ વાંચો: Khedaમાં બિલ્ડરો પર આતંક મચાવતી અને જમીનો પચાવી પાડતી 'ભાનું ભરવાડ ગેંગ' સામે GUJCTOCનો ગુનો દાખલ