android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Kheda News: ટોલ ટેક્સ પાસે અકસ્માત, થારની ટક્કરે ઇકો પલટી, 10 મુસાફરો ઈજાગ્રસ્ત

calendar_todayApril 5, 2026

Kheda News: ટોલ ટેક્સ પાસે અકસ્માત, થારની ટક્કરે ઇકો પલટી, 10 મુસાફરો ઈજાગ્રસ્ત

ખેડા ટોલ ટેક્સ પાસે આજે એક અત્યંત ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલી એક થાર ગાડીના ચાલકે ઇકો કારને એટલી જોરદાર ટક્કર મારી હતી કે ઇકો કાર રોડ પર જ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતને પગલે હાઇવે પર દોડધામ મચી ગઈ હતી અને વાહનોની લાંબી કતારો લાગતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

ઘટનાની વિગત

ઘટનાની મળતી માહિતી અનુસાર, ખેડા ટોલ પ્લાઝા નજીકથી પસાર થઈ રહેલી ઇકો ગાડીમાં આશરે 10 જેટલા મુસાફરો સવાર હતા. આ દરમિયાન એક બેફામ ગતિએ આવતી થાર ગાડીના ચાલકે ઇકોને અડફેટે લીધી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે, ઇકો ગાડી હવામાં ફંગોળાઈને પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત થતા જ મુસાફરોની ચીસાચીસથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

સ્થાનિકોએ કરી મદદ

અકસ્માત જોનાર પ્રત્યક્ષદર્શી હિતેશ પટેલે જણાવ્યું હતું કે, થાર ગાડીના ચાલકે ઇકોને ગંભીર ટક્કર મારી હતી, જેના કારણે ગાડી પલટી ગઈ હતી અને અંદર બેઠેલા લોકો લોહીલુહાણ હાલતમાં હતા. ઘટના બનતા જ આસપાસના લોકોએ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. સ્થાનિકોની મદદથી ઇજાગ્રસ્તોને ગાડીમાંથી બહાર કાઢી ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

બે મુસાફરોની હાલત ગંભીર

ઇકો ગાડીમાં સવાર 10 મુસાફરો પૈકી 2 મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે, જેમને વધુ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચી અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડીને હાઇવે પરનો ટ્રાફિક હળવો કરાવવાની કામગીરી હાથ ધરી છે. થાર ચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.


આ પણ વાંચો - Kheda News: માતરમાં ધારાસભ્યના ભત્રીજાના જુગારધામ પર પોલીસ ત્રાટકી, 16 જુગારીયાઓની ધરપકડ