android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Kheda News : કઠલાલ શાળામાં DEOની સરપ્રાઈઝ વિઝિટથી ખળભળાટ, ગણિતના શિક્ષક શંકાસ્પદ નશાની હાલતમાં ઝડપાયા!

calendar_todaySeptember 1, 2026

Kheda News : કઠલાલ શાળામાં DEOની સરપ્રાઈઝ વિઝિટથી ખળભળાટ, ગણિતના શિક્ષક શંકાસ્પદ નશાની હાલતમાં ઝડપાયા!

ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં આવેલા પીઠાઈ ગામની પીઠેશ્વરી વિદ્યામંદિરમાં એક શરમજનક ઘટના સામે આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા શાળાની અચાનક હાથ ધરવામાં આવેલી સરપ્રાઈઝ મુલાકાત દરમિયાન ધોરણ 10ના વર્ગ શિક્ષક અને ગણિત વિષય ભણાવતા કમલેશ પટેલ નામના શિક્ષક વર્ગખંડમાં શંકાસ્પદ વર્તણૂક કરતા ઝડપાયા હતા. શાળા સમય દરમિયાન શિક્ષકની આ પ્રકારે વર્તણૂક જોઈને અધિકારીઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.

સોજેલો ચહેરો અને લાલ આંખો

અધિકારીની તપાસ દરમિયાન શિક્ષક કમલેશ પટેલના ચહેરા પર સોજો અને આંખો ઘેરી લાલ જણાતી હતી, જેના કારણે તેઓ દારૂ કે અન્ય કોઈ નશાની હાલતમાં હોવાની પ્રબળ શંકા ઉપજી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને જિલ્લા શિક્ષણ અધિકારીએ તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે શિક્ષકની અટકાયત કરી શારીરિક અને લોહીના નમૂનાના પરીક્ષણ માટે મેડિકલ તપાસ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.

મેડિકલ રિપોર્ટ પોઝિટિવ આવશે તો સસ્પેન્શન સહિત કડક કાર્યવાહી કરાશે

હાલ સમગ્ર મામલે શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે. જો હોસ્પિટલના મેડિકલ રિપોર્ટમાં શિક્ષક દ્વારા નશો કરવામાં આવ્યો હોવાની પુષ્ટિ થશે, તો તેમની સામે નિયમ મુજબ આકરી શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે. નશાનો રિપોર્ટ પોઝિટિવ આવવાની સ્થિતિમાં શિક્ષક કમલેશ પટેલને તાત્કાલિક અસરથી નોકરીમાંથી સસ્પેન્ડ કરવા સુધીનાં પગલાં ભરાય તેવી પૂર્ણ શક્યતા છે.

આ પણ વાંચો : Bharuch News : શિક્ષક બન્યો રાક્ષસ! આમોદની શાળામાં 2જા ધોરણના હસનૈનને પાઇપ વડે ઢોર માર મારનાર શિક્ષક સસ્પેન્ડ...