android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Kutch News: મુન્દ્રા પોર્ટ પર 182 કરોડનું કેપ્ટાગોન ડ્રગ્સ ઝડપાયું

calendar_todayMay 16, 2026

Kutch News: મુન્દ્રા પોર્ટ પર 182 કરોડનું કેપ્ટાગોન ડ્રગ્સ ઝડપાયું

ગુજરાતનો દરિયા કિનારો અને બંદરો ફરી એકવાર ડ્રગ્સ માફિયાઓના નિશાને આવ્યા છે, પરંતુ દેશની સુરક્ષા એજન્સીઓએ તેમના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી દિલ્હી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB) એ એક ઇન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરીને આશરે રૂ. 182 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ભારતના ઇતિહાસમાં આ પ્રકારનું ડ્રગ્સ પકડાયું હોય તેવી આ પ્રથમ ઘટના છે.

સિરિયાથી આવેલા કન્ટેનરમાં સંતાડ્યું હતું મોત

ઘટનાની મળતી વિગતો અનુસાર, દિલ્હી NCB ની ટીમને આંતરરાષ્ટ્રીય સ્તરેથી ડ્રગ્સની હેરાફેરી અંગે ચોક્કસ ઇનપુટ્સ મળ્યા હતા. આ બાતમીના આધારે મુન્દ્રા પોર્ટ પર આવેલા શંકાસ્પદ કન્ટેનરોની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન સિરિયા દેશમાંથી આયાત કરવામાં આવેલા એક ખાસ કન્ટેનરની તલાશી લેતા સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી હતી. આ કન્ટેનરમાંથી ભારે માત્રામાં નશીલા પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો.

ભારતમાં પહેલીવાર ઝડપાયું ‘કેપ્ટાગોન’ ડ્રગ્સ

NCB ના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઓપરેશન દરમિયાન કુલ 196.2 કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. લેબોરેટરી ટેસ્ટિંગમાં આ ડ્રગ્સ 'કેપ્ટાગોન' (Captagon) હોવાનું સામે આવ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની અંદાજિત કિંમત રૂપિયા 182 કરોડ જેટલી થવા જાય છે. મહત્વની વાત એ છે કે, ભારતમાં આ કેપ્ટાગોન ડ્રગ્સ પકડાવવાનો આ સૌથી પહેલો કિસ્સો છે, જે મધ્ય-પૂર્વના દેશોમાં વધુ સક્રિય છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પાઠવ્યા અભિનંદન

મુન્દ્રા પોર્ટ પર દિલ્હી NCB દ્વારા કરવામાં આવેલી આ અત્યંત સફળ અને મોટી કાર્યવાહીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બિરદાવી છે. તેમણે દેશને નશામુક્ત બનાવવાના સંકલ્પને વેગ આપવા બદલ NCB ની સમગ્ર ટીમને સોશિયલ મીડિયા પર સત્તાવાર રીતે અભિનંદન પાઠવ્યા છે.




આંતરરાષ્ટ્રીય કનેક્શનની તપાસ શરૂ

સિરિયાથી આટલી મોટી માત્રામાં મોકલવામાં આવેલું આ ઘાતક ડ્રગ્સ ભારતમાં કોને ડીલીવર કરવાનું હતું? આ ડ્રગ્સ પાછળ કયા આંતરરાષ્ટ્રીય પેડલરો અને આકાઓનો હાથ છે? તે તમામ દિશામાં દિલ્હી NCB એ ઉંડાણપૂર્વકની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસમાં આગામી સમયમાં કેટલાક મોટા ગજાના લોકોની ધરપકડ થાય તેવી પ્રબળ શક્યતા જોવા મળી રહી છે.


આ પણ વાંચો - Kutch: મુન્દ્રા બંદરેથી કન્ટેનરમાં છુપાવેલું 140 કિલો ડ્રગ્સ ઝડપાયું, બાતમીના આધારે NCBનું સફળ ઓપરેશન