calendar_todayMarch 2, 2026
Limbdi: માનસિક બીમારીએ લીધો એક જિંદગીનો ભોગ, વઢવાણ પાસે 32 વર્ષીય મહિલાએ ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અને વઢવાણ વચ્ચે આજે વહેલી સવારે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વઢવાણ નજીક આવેલા 14 નંબરના રેલવે ફાટક પાસે એક 32 વર્ષીય મહિલાએ ટ્રેન નીચે પડતું મૂકીને પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. આ ઘટનાને પગલે રેલવે પોલીસ અને સ્થાનિક તંત્ર ઘટનાસ્થળે દોડી આવ્યું હતું.
માનસિક બીમારીએ જીવ લીધો
મળતી પ્રાથમિક માહિતી મુજબ, મૃતક મહિલાની ઓળખ સુનિતાબેન અર્જુનભાઈ નગવાડિયા (ઉંમર 32 વર્ષ) તરીકે થઈ છે, જેઓ ખારવા ગામના રહેવાસી હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાતા હોવાનું જાણવા મળ્યું છે. આજે વહેલી સવારે જ્યારે સુરત-મહુવા ટ્રેન પસાર થઈ રહી હતી, ત્યારે સુનિતાબેને અચાનક ટ્રેક પર પડતું મૂક્યું હતું, જેમાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
પોલીસનો તપાસનો ધમધમાટ
ઘટનાની જાણ થતા જ રેલવે પોલીસ અને વઢવાણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે લીંબડીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. વઢવાણ પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે આપઘાત પાછળ માનસિક બીમારી સિવાય અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ.