calendar_todayApril 24, 2026
Local body election 2026: વિરમગામમાં ચૂંટણી ફરજ પરના કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન, 350 થી વધુ મતો નોંધાયા
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ પ્રક્રિયાના ભાગરૂપે આજે વિરમગામ ખાતે ચૂંટણી ફરજ પર રોકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
વિરમગામમાં લોકશાહીના પર્વનો પ્રારંભ
વિરમગામ તાલુકા પંચાયત કચેરી ખાતે ખાસ મતદાન કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું હતું. અહીં વિરમગામ તાલુકા પંચાયત, નગરપાલિકા અને અમદાવાદ જિલ્લા પંચાયતની બેઠકો માટે જે કર્મચારીઓની ચૂંટણીમાં ડ્યૂટી લાગી છે, તેવા અધિકારીઓ, વહીવટી સ્ટાફ અને પોલીસકર્મીઓએ પોતાનો કિંમતી મત આપ્યો હતો.
આંકડાકીય વિગત
ચૂંટણી તંત્રના જણાવ્યા અનુસાર, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે કુલ 350 થી વધુ મતદારોએ પોસ્ટલ બેલેટ પત્રથી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણીના દિવસે આ કર્મચારીઓ અન્ય કેન્દ્રો પર ફરજ પર હોવાના કારણે રેલવે કે અન્ય સરકારી વિભાગની જેમ તેમને અગાઉથી મતદાન કરવાની સુવિધા આપવામાં આવે છે.
આ પણ વાંચો: Surat: ડુમસના સુલતાનાબાદમાં 5 પ્લોટ પચાવી પાડવાનું કૌભાંડ, શાતિર ઠગની ધરપકડ