calendar_todayApril 16, 2026
Local body Election 2026: દૂધધારા ડેરીની ચૂંટણીમાં બગાવત કરનારા જંબુસરના 6 આગેવાનોનું સસ્પેન્શન રદ, ભાજપ સંગઠન ફરી મજબૂત
ભરૂચ જિલ્લા ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા આંતરિક અસંતોષને ઠારવા અને સંગઠનને વધુ વેગવંતુ બનાવવા માટે પક્ષના મોવડી મંડળ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ભરૂચની પ્રતિષ્ઠિત દૂધધારા ડેરીની ચૂંટણી સમયે પક્ષના આદેશનું ઉલ્લંઘન કરનારા જંબુસર તાલુકાના 6 આગેવાનો પરથી સસ્પેન્શન હટાવી દેવામાં આવ્યું છે.
જંબુસરના 6 આગેવાનો પરથી સસ્પેન્શન હટાવાયુ
ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણી દરમિયાન ભાજપ દ્વારા સત્તાવાર મેન્ડેટ જાહેર કરવામાં આવ્યો હતો. જોકે, જંબુસરના જાણીતા આગેવાન નટવરભાઈ મુરજીભાઈ (ભગત) અને જગદીશ ડાહ્યાભાઈ પટેલ સહિતના સભ્યોએ પક્ષના મેન્ડેટ ધરાવતા ઉમેદવાર સામે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. પક્ષની શિસ્તના ભંગ બદલ અને બગાવત કરવા બદલ પ્રદેશ ભાજપ દ્વારા આ તમામ આગેવાનોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ચૂંટણી પૂર્વે રણનીતિ
આગામી સમયમાં આવી રહેલી વિવિધ ચૂંટણીઓને ધ્યાને રાખીને ભાજપના મોવડી મંડળે પક્ષને પાયાના સ્તરે વધુ મજબૂત કરવા માટે આક્રમક વલણ છોડીને સમાધાનકારી રસ્તો અપનાવ્યો છે. જંબુસરના આ આગેવાનોનો સ્થાનિક સ્તરે મોટો પ્રભાવ હોવાથી, તેમનું પક્ષમાં પાછા ફરવું ભાજપ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.