calendar_todayApril 27, 2026
Local Body Elections 2026: જૂનાગઢમાં નકલી મતદારનો ખેલ બગડ્યો, અન્યના નામે વોટિંગ કરવા જતા પકડાયો
જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં લોકશાહીના પર્વને કલંકિત કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. માંગરોળના લોએજ-૨ મતદાન મથક પર અન્ય વ્યક્તિના નામે ખોટું મતદાન કરવા આવેલા એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. ચૂંટણી નિયમોના ઉલ્લંઘન બદલ આ નકલી મતદાર સામે તાત્કાલિક કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આધારકાર્ડથી ખુલી પોલ
મળતી માહિતી મુજબ, આ શખ્સ અન્યના દસ્તાવેજોનો ઉપયોગ કરી મતદાન મથકમાં પ્રવેશ્યો હતો. જોકે, જ્યારે તેની પાસે રહેલા આધારકાર્ડની વિગતોની ચકાસણી કરવામાં આવી ત્યારે તેની ઓળખ શંકાસ્પદ જણાઈ હતી. ઊંડાણપૂર્વકની તપાસમાં તે વ્યક્તિ નકલી મતદાર હોવાનું સાબિત થતા તેને પકડી પાડવામાં આવ્યો હતો.
પોલીસ ફરિયાદ અને વીડિયો વાયરલ
આ ઘટનાને પગલે લોએજ-2 ના પ્રિસાઈડિંગ ઓફિસરે તાત્કાલિક અસરથી પોલીસ ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરી છે. અધિકારીએ જણાવ્યું કે ચૂંટણી પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવામાં આવશે નહીં. બીજી તરફ, આ નકલી મતદારનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને મતદારોમાં અનેક ચર્ચાઓ જાગી છે.
આ પણ વાંચો---- Bharuch : ઝઘડિયા GIDC આગ દુર્ઘટનામાં કામદારનું મોત, ચૈતર વસાવા અને મૃતકના પરિવારજન વચ્ચે સામ સામે લાફાવાળી