calendar_todayApril 25, 2026
Local Body Elections 2026 : બોડેલી તા. પંચાયતના પૂર્વ પ્રમુખ શીતલકુવરબા સહિત 4 સભ્યો સસ્પેન્ડ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે છોટાઉદેપુર જિલ્લા ભાજપ સંગઠન દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા છે. બોડેલી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શીતલકુવરબા હેમરાજસિંહ મહારાઉલ સહિત કુલ ચાર કાર્યકરોને પક્ષમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.
પતિને મદદગારી કરવી ભારે પડી
આ કાર્યવાહી પાછળનું મુખ્ય કારણ બળવો માનવામાં આવે છે. પૂર્વ પ્રમુખ શીતલકુવરબાના પતિ હેમરાજસિંહ મહારાઉલે પાણેજ તાલુકા પંચાયતની બેઠક પરથી ભાજપના અધિકૃત ઉમેદવાર સામે ઉમેદવારી નોંધાવી છે. પક્ષ દ્વારા વારંવાર સમજાવવા છતાં હેમરાજસિંહ માન્યા નહોતા અને શીતલકુવરબા પણ પક્ષના ઉમેદવારને બદલે પોતાના પતિને મદદ કરી રહ્યા હોવાના અહેવાલો મળ્યા હતા. પક્ષની શિસ્તનો ભંગ થતો હોવાનું જણાતા જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા આકરો નિર્ણય લેવાયો છે.
ચૂંટણી ટાણે જ પક્ષમાં ભંગાણ
જિલ્લા ભાજપે પૂર્વ પ્રમુખ સહિત 4 જણાને સસ્પેન્ડ કરતા અન્ય કાર્યકરોમાં પણ ફફડાટ ફેલાયો છે. ભાજપે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ચૂંટણીમાં પક્ષના અધિકૃત ઉમેદવારની સામે કામ કરનાર કે બળવો કરનાર કોઈપણ વ્યક્તિને ચલાવી લેવામાં આવશે નહીં. બોડેલી પંથકમાં આ સસ્પેન્શનની ઘટનાને પગલે આગામી મતદાન પર તેની શું અસર પડશે તે જોવું રહ્યું. હાલમાં તો આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં સોંપો પાડી દીધો છે.
આ પણ વાંચો--- Ahmedabad : મણિનગરમાં પાડોશી મહિલા બની દેવદૂત, 48 કલાકથી ડિજિટલ એરેસ્ટ વૃદ્ધના 23 લાખ સાયબર ઠગોથી બચાવ્યા!