android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Mahesana News: કડીના કલ્યાણપુરાની સીમમાં શોર્ટ સર્કિટથી ખેતરમાં આગ, ડાંગરનો ઊભો પાક બળીને ખાખ

calendar_todayMay 9, 2026

Mahesana News: કડીના કલ્યાણપુરાની સીમમાં શોર્ટ સર્કિટથી ખેતરમાં આગ, ડાંગરનો ઊભો પાક બળીને ખાખ

મહેસાણા જિલ્લાના કડી પંથકમાં ખેડૂતો પર કુદરત અને તંત્રની માર એકસાથે પડી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. કડીના કલ્યાણપુરા ગામની સીમમાં વીજ લાઈનમાં થયેલા શોર્ટ સર્કિટને કારણે ખેતરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગમાં ખેડૂતનો લાખોની કિંમતનો ઉનાળુ ડાંગરનો ઊભો પાક પળવારમાં બળીને ખાખ થઈ ગયો છે.

વીજ લાઈનમાં શોર્ટ સર્કિટથી લાગી આગ

ઘટનાની મળતી માહિતી અનુસાર, કલ્યાણપુરા ગામની સીમમાં બંધ પડેલી રામદેવ ઓઇલ મીલ પાસેથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઈનમાં અચાનક શોર્ટ સર્કિટ થયું હતું. આ શોર્ટ સર્કિટના તણખલાં નીચે આવેલી સૂકી વાડમાં પડ્યા હતા. કાળઝાળ ગરમી અને સૂકા ઘાસને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને બાજુમાં આવેલા ડાંગરના ખેતરને પોતાની ચપેટમાં લઈ લીધું હતું.

ખેડૂતને પડ્યા પર પાટું જેવી સ્થિતિ

ખેતરમાં ઉનાળુ ડાંગરનો પાક તૈયાર હતો અને તેની લણણીનો સમય નજીક હતો. જોકે, આ ભીષણ આગમાં ખેડૂતનો તૈયાર થયેલો આખો પાક બળીને રાખ થઈ ગયો છે. મહેનત અને મોંઘા ભાવના બિયારણ-ખાતર પાછળ ખર્ચ કર્યા બાદ અંતિમ સમયે પાક નાશ પામતા ખેડૂતની હાલત કફોડી બની છે. આ ઘટના ખેડૂત માટે 'પડ્યા પર પાટું' સમાન સાબિત થઈ છે.

ફાયર ટીમે આગ પર મેળવ્યો કાબૂ

આગની જાણ થતા જ આસપાસના ખેડૂતો દોડી આવ્યા હતા અને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં કડી નગરપાલિકાની ફાયર ટીમને જાણ કરવામાં આવતા ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં ખેડૂતનો પાક સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો હતો.

સ્થાનિક ખેડૂતોએ વીજ કંપનીની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો છે અને નુકસાન પામેલા ખેડૂતને વળતર આપવામાં આવે તેવી માંગણી ઉઠાવી છે.


આ પણ વાંચો - Mahesana News: બહુચરાજી મંદિર સામે કૂકડા સર્કલ તૈયાર, 35 લાખના ખર્ચે માતાજીના વાહનની ભવ્ય પ્રતિમાઓ મુકાઈ