calendar_todayMarch 10, 2026
Mahesana: ડાયરામાં બુટલેગરોએ સાંથલ PI ઉપર નોટો વરસાવી, DSPએ સસ્પેન્ડ કર્યા
મહેસાણાના સાંથલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ. વરચંદને ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કટોસણ ગામમાં આયોજિત એક લોક ડાયરામાં હાજરી સમયે બુટલેગરોએ PI પર નોટોનો વરસાદ કરતા ઉચ્ચ અધિકારી દ્વારા શિસ્ત ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ કટોસણ ગામમાં એક મંદિરના પાટોત્સવ નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંથલ પીઆઈ એમ.એમ. વરચંદએ હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન મંચ પાસે પહોંચેલા પીઆઈ પર નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. જોકે આ નોટો ઉછાળનારા શખ્સોમાં સ્થાનિક બુટલેગરો પણ સામેલ હોવાને લઈ મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. તો બુટલેગરોનો આમ જાહેરમાં પોલીસ અધિકારી પર હેત વરસાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હરકતમાં આવી ગયા હતા. તો સમગ્ર મામલે હાલમાં મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ શિસ્તભંગ અને પોલીસ વિભાગની ગરિમાને લાંછન લગાડવા સહિતના કારણોસર અંતે પીઆઈ એમ.એમ. વરચંદને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. બુટલેગરોએ ઉછાડેલ નોટોને પગલે PIને સસ્પેન્ડ કરવામાં આવતા જિલ્લાના પોલીસ બેડામાં ભારે ચકચાર મચી હતી. તો આ મામલે તપાસ બાદ સસ્પેન્ડ અધિકારી વિરુદ્ધ આગળની કાર્યવાહીકરવામાં આવશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો