android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Mahisagar News: ખાનપુરમાં વરસાદ ખેંચાતા ખેડૂતોનું આવેદન, 5 મુખ્ય માંગણી સાથે રજૂઆત

calendar_todaySeptember 7, 2026

Mahisagar News: ખાનપુરમાં વરસાદ ખેંચાતા ખેડૂતોનું આવેદન, 5 મુખ્ય માંગણી સાથે રજૂઆત

મહિસાગર જિલ્લામાં લાંબા સમયથી વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સિંચાઈના પાણીના અભાવે ખેતરોમાં ઉભો મકાઈ અને ડાંગર સહિતનો પાક સુકાઈ જવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે. મોંઘા બિયારણ અને ખાતરનો ખર્ચ કર્યા બાદ હવે પાક નિષ્ફળ જવાની આશંકાથી ખાનપુર તાલુકાના ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે.

ખાનપુર મામલતદારને 5 મુખ્ય માંગણીઓ સાથે રજૂઆત

વરસાદી ખેંચથી સર્જાયેલી વિષમ પરિસ્થિતિને પગલે ખાનપુર તાલુકાના ખેડૂતોએ એકઠા થઈને ખાનપુર મામલતદારને આવેદનપત્ર સોંપ્યું હતું. ખેડૂતોએ પોતાની રોજીરોટી અને પાક બચાવવા માટે સરકાર સમક્ષ 5 અલગ અલગ મુખ્ય માંગણીઓ રજૂ કરી છે.

Mahisagar News: Khanpur Farmers Submit Memorandum Over Rain Shortage

કડાણા ડેમમાંથી પાણી છોડવા અને ધિરાણ માફીની માગ

આવેદનપત્રમાં ખેડૂતોએ માગ કરી છે કે, કડાણા ડેમમાંથી પાણી છોડીને ગામના તળાવો ભરવામાં આવે જેથી સિંચાઈ થઈ શકે. આ ઉપરાંત પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવી અને ખેડૂતોના કૃષિ ધિરાણ માફ કરવાની અપીલ કરવામાં આવી છે. આ સાથે સાથે ખેતરોમાં થયેલા નુકસાનનો ત્વરિત સર્વે કરાવીને યોગ્ય આર્થિક સહાય ચૂકવવાની માંગ પણ કરી છે.

Mahisagar News: Khanpur Farmers Submit Memorandum Over Rain Shortage

સરકારી વરસાદી આંકડા સામે ખેડૂતોના ગંભીર આક્ષેપ

આવેદનપત્ર આપવા પહોંચેલા ખેડૂતોએ તંત્ર સામે રોષ ઠાલવતા આક્ષેપ કર્યો હતો કે ખાનપુર તાલુકામાં દર્શાવાઈ રહેલા વરસાદના સરકારી આંકડા સાચા નથી પરંતુ ખોટા છે. વાસ્તવિકતામાં ખેતરોમાં પાણી વગર પાક બળી રહ્યો છે, ત્યારે સરકારે કાગળ પરના આંકડા ભૂલીને જમીની હકીકત જોઈ ત્વરિત રાહત આપવી જોઈએ.


આ પણ વાંચો: Mahisagar News: સંતરામપુરના સાંગવાડા પાસે શ્રાવણ માસમાં જુગાર રમતા 10 ઈસમો ઝડપાયા