android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Makar Sankranti-2026 : ગુજરાતના આ નગરમાં 14 જાન્યુવારીએ નથી ઉડતા પતંગ , કારણ છે વર્ષો જૂની પરંપરા અને રાજાનું નિધન

calendar_todayJanuary 6, 2026

Makar Sankranti-2026 : ગુજરાતના આ નગરમાં 14 જાન્યુવારીએ નથી ઉડતા પતંગ , કારણ છે વર્ષો જૂની પરંપરા અને રાજાનું નિધન

મકરસંક્રાંતિ 2026 નજીક આવી રહી છે. ગુજરાતમાં આ તહેવાર માત્ર તહેવાર નથી, પરંતુ એક લાગણી છે. પતંગો, ફિરકીઓ, ધાબા પર પરિવાર સાથેની મસ્તી, ચીકી અને ઉંધિયાની મજા, આ બધું ઉત્તરાયણની ઓળખ છે. 14 જાન્યુઆરીના દિવસે ગુજરાતનું આકાશ જાણે રંગબેરંગી કેનવાસ બની જાય છે. પરંતુ ગુજરાતની એક એવો જિલ્લો જ્યાં મકરસંક્રાંતિ 14 જાન્યુઆરીએ ઉજવામાં આવતી નથી.

સિદ્ધપુર મગરમાં અલગ જ દ્રશ્ય

ગુજરાતના પાટણ જિલ્લાના સિદ્ધપુર નગરમાં આ દિવસે એક અલગ જ દ્રશ્ય જોવા મળે છે. અહીં 14 જાન્યુઆરીએ ન તો પતંગ ઉડે છે, ન તો ઉત્તરાયણની ધમાલ જોવા મળે છે. મકર સંક્રાંતિ 2026માં પણ સિદ્ધપુર પોતાની સદી જૂની પરંપરાને યથાવત્ જાળવી રાખશે. આ પરંપરા પાછળનો ઇતિહાસ માત્ર એક ઘટના નથી, પરંતુ રાજા, શ્રદ્ધા અને શોક સાથે જોડાયેલી એક ભાવનાત્મક કહાની છે.

સિદ્ધપુર: માત્ર નગર નહીં, પરંતુ એક જીવંત ઇતિહાસ

સરસ્વતી નદીના ડાબા કાંઠે વસેલું સિદ્ધપુર ગુજરાતના સૌથી પવિત્ર અને ઐતિહાસિક સ્થળોમાંનું એક છે. પ્રાચીન ગ્રંથોમાં તેનો ઉલ્લેખ “શ્રીસ્થળ” તરીકે કરવામાં આવ્યો છે. ઋગ્વેદમાં પણ સિદ્ધપુરનો ઉલ્લેખ મળે છે. માતૃ શ્રાદ્ધ માટે અહીં દેશભરથી લોકો આવે છે, જેના કારણે સિદ્ધપુરને “માતૃ ગયા” તરીકે પણ ઓળખવામાં આવે છે. બિંદુ સરોવર, કપિલ મુનિ આશ્રમ, સહસ્ત્રકળા માતાનું મંદિર અને રુદ્રમહાલય જેવી જગ્યા સિદ્ધપુરની ધાર્મિક અને ઐતિહાસિક ઓળખ છે. માન્યતા મુજબ સાંખ્ય દર્શનના રચિયતા કપિલ મુનિની જન્મભૂમિ પણ સિદ્ધપુર છે. મહાભારત કાળ દરમિયાન પાંડવો અજ્ઞાતવાસમાં અહીં રહ્યા હતા એવી માન્યતા પણ પ્રચલિત છે.

જા સિદ્ધરાજ જયસિંહ અને ઉત્તરાયણનો શોક

ઈસવીસન 12મી સદીમાં સોલંકી વંશના મહાન શાસક રાજા સિદ્ધરાજ જયસિંહે સિદ્ધપુરને પોતાની રાજધાની બનાવી. તેમના શાસનકાળ દરમિયાન સિદ્ધપુરે સુવર્ણયુગ જોયો. તેમણે ભવ્ય શિવ મંદિર—રુદ્રમહાલયનું નિર્માણ કરાવ્યું, જે તેની શિલ્પકલા માટે આખા દેશમાં પ્રસિદ્ધ હતું. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે રાજા સિદ્ધરાજ જયસિંહે ઉત્તર દિશામાંથી, એટલે કે ઔદિચ્ય બ્રાહ્મણોને આમંત્રિત કર્યા હતા. કુલ 1023 બ્રાહ્મણોને સિદ્ધપુરમાં વસાવવા માટે જમીન અને સુવિધાઓ આપવામાં આવી. આ બ્રાહ્મણો સરસ્વતી નદીના કિનારે પૂજા-અર્ચના કરતા હતા. પરંતુ લોકકથા અનુસાર, મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પછી થોડા જ સમયમાં, 14 જાન્યુઆરીના દિવસે રાજા સિદ્ધરાજ જયસિંહનું અવસાન થયું. રાજાના અવસાનથી આખું નગર શોકમાં ડૂબી ગયું. રાજા પ્રત્યેના આદર અને શ્રદ્ધાના પ્રતીક તરીકે સિદ્ધપુરના લોકોએ નક્કી કર્યું કે આ દિવસે ક્યારેય ઉત્તરાયણ ઉજવાશે નહીં. આ નિર્ણય માત્ર તાત્કાલિક નહોતો. આ પરંપરા પેઢી દર પેઢી ચાલતી ગઈ અને આજે મકર સંક્રાંતિ 2026માં પણ એ જ રીતે પાલન થાય છે.

ઉત્તરાયણ નહીં તો પતંગ ક્યારે?

ઉત્તરાયણ નહીં તો પતંગ ક્યારે? એવો પ્રશ્ન સહજ રીતે મનમાં આવે કે જો સિદ્ધપુરમાં 14 જાન્યુઆરીએ પતંગ નથી ઉડાડાતા, તો શું અહીં પતંગ ઉડાડવાની પરંપરા જ નથી? હકીકત એવી નથી. સિદ્ધપુરમાં પતંગ ઉડાડવાની પરંપરા આજે પણ જીવંત છે, પરંતુ તેનો દિવસ અલગ છે. અહીં ઉત્તરાયણની જગ્યાએ દશેરાના દિવસે પતંગ ઉડાડવામાં આવે છે. દશેરાનો દિવસ વિજયનું પ્રતિક માનવામાં આવે છે અને શોકના દિવસને બદલે વિજયના દિવસે આનંદ વ્યક્ત કરવાની ભાવનાથી સિદ્ધપુરના લોકોએ આ પરંપરાને અપનાવી છે. તેથી જ દશેરાના દિવસે સિદ્ધપુરનું આકાશ રંગબેરંગી પતંગોથી છલકાઈ જાય છે.

દશેરાએ ઉત્તરાયણ: વિજયનો દિવસ

દશેરાને વિજય દિવસ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી રામે લંકાપતિ રાવણ પર વિજય મેળવ્યો હતો. સિદ્ધપુરના લોકોએ વિચાર્યું કે શોકના દિવસે ઉત્સવ મનાવવાને બદલે વિજયના દિવસે આનંદ વ્યક્ત કરવો યોગ્ય રહેશે. આથી નક્કી થયું કે ઉત્તરાયણ દશેરાના દિવસે મનાવવામાં આવશે. ધીમે ધીમે આ પરંપરા સંસ્કૃતિનો ભાગ બની ગઈ. આજે પણ દશેરાના દિવસે સિદ્ધપુરનું આકાશ પતંગોથી ભરાઈ જાય છે. બાળકો, યુવાનો અને વૃદ્ધ લોકો આ અનોખી ઉત્તરાયણ માણે છે.

બદલાતા સમય છતાં અડગ પરંપરા

સમય સાથે ઘણી પરંપરાઓ બદલાઈ ગઈ છે. સિદ્ધપુરથી માત્ર 24 કિલોમીટર દૂર આવેલ પાટણ શહેરમાં પણ એક સમયે ઉત્તરાયણ ન ઉજવવાની પરંપરા હતી. પરંતુ સમય બદલાયો અને આજે પાટણમાં 14 જાન્યુઆરીએ પતંગ ઉડાડવામાં આવે છે. પરંતુ સિદ્ધપુર આજે પણ પોતાના ઇતિહાસ અને રાજા સિદ્ધરાજ જયસિંહ પ્રત્યેના આદરને ભૂલ્યું નથી. મકર સંક્રાંતિ 2026માં પણ અહીં ઉત્તરાયણ નહીં ઉજવાય, પરંતુ દશેરાએ પતંગ ઉડશે—એ જ રીતે, એ જ ભાવના સાથે.

મકર સંક્રાંતિ 2026 અને સંસ્કૃતિનો સંદેશ

મકર સંક્રાંતિ 2026 આપણને આનંદ, એકતા અને ઉત્સવની યાદ અપાવે છે. પરંતુ સિદ્ધપુરની પરંપરા આપણને એ પણ શીખવે છે કે તહેવારો માત્ર મોજ-મસ્તી નથી, પરંતુ સ્મૃતિ, સંસ્કૃતિ અને આદરનો પ્રતિબિંબ છે. જ્યાં આખું ગુજરાત પતંગ ઉડાવે છે, ત્યાં સિદ્ધપુર શાંતિથી પોતાના ઇતિહાસને નમન કરે છે.

આ પણ વાંચો : Makar Sankranti 2026 : સૂર્ય કરશે શનિની રાશિમાં પ્રવેશ, પિતા-પુત્રનો આ રાશિ પર રહેશે પ્રભાવ