calendar_todayFebruary 4, 2026
Mandal: સેવા સહકારી મંડળીની તા.15મી ફેબ્રુઆરીએ યોજાનાર ચૂંટણીનો ધમધમાટ
માંડલ સેવા સહકારી મંડળીના વ્યવસ્થાપક કમિટીના હોદ્દેદારોની મુદ્દત પુરી થવાથી કમીટીની કુલ 15 જગ્યાઓ માટે પાંચ વર્ષની મુદ્દત માટે હોદ્દેદારોની નીમણૂંક કરવાની હોઈ ચુંટણી અધિકારી આર.કે.બારોટ દ્વારા ચુંટણી પ્રક્રિયા હાથ ધરાઈ છે. સામાન્ય મોટા ખેડૂતની 9 બેઠકો, નાના ખેડૂતમાં 3, અનુસુચિત જાતિની 1 બેઠક અને મહિલા સામાન્ય મોટા ખેડૂતની 1 અને મહિલા નાના ખેડૂતની 1 બેઠક આમ કુલ 15 બેઠકો માટે ચુંટણી પ્રક્રિયાનો સેવા સહકારી મંડળીમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. અગાઉ રરમી જાન્યુઆરીએ પ્રથમ મતદારયાદી અને ખાલી પડેલ જગ્યાઓ પ્રસિદ્ધ કરાઈ, આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવાની પ્રક્રિયાને પુર્ણ કર્યા બાદ આજ તા.4 ના રોજ ઉમેદવારી પત્રો સ્વીકારવાની તેમજ ચકાસણી અને સાંજે પ કલાકે મંજુર થયેલ ઉમેદવારોની જાહેરાત કરાઈ હતી. બુધવારે ઉમેદવારી પત્રો ભરવાના દિને 15 બેઠકો માટે કુલ 26 ઉમેદવારોએ પોતાના ફોર્મ રજૂ કર્યા હતાં અને ચુંટણી અધિકારી દ્વારા ઉમેદવારી ફોર્મની ચકાસણી કરાતાં 6 ફોર્મ રદ્દ કરતાં 20 ફોર્મને મંજૂર કરાયાં હતાં. સામાન્ય મોટા ખેડુતની 9 બેઠકો સામે 10 ફોર્મ, નાના ખેડુતની 3 બેઠકો માટે 6 ઉમેદવારી પત્રો તેમજ અનુસુચિત ખેડુતની 1 બેઠક અને મહિલા સા.મોટા ખેડુતની 1 બેઠક બંને માટે બે બે ફોર્મ ભરાયાં હતાં. જ્યારે મહિલા સામાન્ય નાના ખેડુતની 1 જગ્યા માટે માત્ર એકજ ઉમેદવારી ફોર્મ રજુ થતાં તે મહિલા બેઠક બીનહરીફ વરણી કરાઈ હતી. જેની ચુંટણી પરિણામોની સાથે સત્તાવાર જાહેરાત કરાશે. માંડલ સેવા સહકારી મંડળીમાં 15 બેઠકો માટે 20 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અને ઉમેદવારીપત્રો તા.6ના રોજ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. જોકે સેવા સહકારીઓમાં ચુંટણીઓ ક્યારેક થતી હોય છે, જેથી મંડળીના સંચાલકો દ્વારા આ વર્ષે ચુંટણી ના યોજાય અને તમામ 15 બેઠકો બિનહરીફ જાહેર થાય તેવા પ્રયત્નો કરી રહ્યાં છે. જો સેવા સહકારી મંડળીમાં ચૂંટણી કરવાની થાય તો તા.10મી ફેબ્રુઆરીના રોજ સવારે 9થી 3 દરમ્યાન મતદાન પ્રક્રિયા હાથ ધરાશે અને ત્યારબાદ ચૂંટણીના પરિણામોની જાહેરાત કરાશે. સેવા સહકારી મંડળીમાં ઉપરોક્ત તમામ બેઠકોમાં મળીને કુલ 631 મતદારો નોંધાયેલા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો