calendar_todayAugust 2, 2026
Mehsanaમાં વિઝાના નામે મોટી છેતરપિંડી: કેનેડાના વર્ક પરમિટના બહાને ખેડૂત દંપતી સાથે 20 લાખની ઠગાઈ
મહેસાણા જિલ્લામાં વિદેશ જ ઘેલા વચ્ચે વિઝાના નામે વધુ એક મોટી છેતરપિંડીની ઘટના સામે આવી છે. વિજાપુર તાલુકાના એક ખેડૂત દંપતીને કેનેડાના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને 20 લાખ રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી છે. કેનેડામાં સારી રોજીરોટી અને સ્થાયી થવાની લાલચ આપીને ભેજાબાજ એજન્ટે ખેડૂત દંપતીને પોતાની જાળમાં ફસાવ્યા હતા અને તેમની પાસેથી બેંકમાં RTGS દ્વારા તેમજ રોકડ સ્વરૂપે મોટી રકમ મેળવી લીધી હતી.
વિઝા ન મળતાં 6 લાખ પરત કર્યા
લાંબો સમય વિત્યા છતાં કેનેડાના વિઝા ન મળતાં ખેડૂત દંપતીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. જેથી તેમણે પોતાના નાણાં પરત માગતાં આરોપી એજન્ટે 6 લાખ રૂપિયા પરત કરી દીધા હતા. પરંતુ બાકીના 14 લાખ રૂપિયા આપવા માટે ધક્કા ખવડાવ્યા બાદ તે રકમ લઈને ફરાર થઈ ગયો હતો. નાણાં પરત મેળવવાના તમામ પ્રયાસો નિષ્ફળ જતાં આખરે પિડિત ખેડૂતે પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.
ઋત્વિક પટેલ સામે પોલીસ ગુનો નોંધાયો
આ છેતરપિંડી આચરનાર ગાંધીનગરના ઋત્વિક પટેલ નામના વિઝા એજન્ટ સામે પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. એજન્ટે અન્ય કોઈ લોકો સાથે વિઝાના નામે આ પ્રકારે ઠગાઈ આચરી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. ફરાર થઈ ગયેલા આરોપી ઋત્વિક પટેલને ઝડપી પાડવા માટે પોલીસે ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.