calendar_todayApril 4, 2026
Mehsana : કડીમાં વીજતંત્રનો મોટો છબરડો, પાર્લરને ફટકાર્યું 6.82 લાખનું તોતિંગ વીજ બિલ
ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના કડીમાં વીજ કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે. કડીના થોળ રોડ પર આવેલ 'બેડ બોય' નામના એક નાના પાર્લરને વીજતંત્ર દ્વારા અધધ રૂ. 6.82 લાખનું વીજ બિલ ફટકારવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સામાન્ય રીતે જે દુકાનનું બિલ હજારોમાં આવતું હોય, ત્યાં લાખોનું બિલ આવતા સંચાલકના હોશ ઉડી ગયા છે.
બે ફ્રિજ અને પંખા છતાં લાખોનું બિલ
પાર્લર સંચાલકના જણાવ્યા અનુસાર, તેમની દુકાનમાં માત્ર બે ફ્રિજ અને પંખા જ ચાલે છે. કોઈ પણ પ્રકારની ભારે મશીનરી કે ઇન્ડસ્ટ્રીયલ લોડ ન હોવા છતાં આટલું મોટું બિલ કઈ રીતે આવ્યું તે એક મોટો સવાલ છે. સંચાલકે રોષે ભરાઈને પ્રશ્ન કર્યો છે કે, "દુકાનમાં કોઈ ભારે મશીનરી નથી, તો આટલું બિલ કઈ રીતે સંભવ છે?" આ ઘટનાને પગલે કડીના નાના વેપારીઓમાં પણ ભય અને અસલામતીનો માહોલ જોવા મળી રહ્યો છે.
કાયદાકીય લડતની ચીમકી
પીડિત વેપારીએ જણાવ્યું છે કે આટલું મોટું બિલ ભરી શકાય તેમ નથી. તેમણે વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ આ મામલે તટસ્થ તપાસ કરવાની અને યોગ્ય નિરાકરણ લાવવાની માંગ કરી છે. જો વીજતંત્ર દ્વારા આ છબરડો સુધારવામાં નહીં આવે, તો પાર્લર સંચાલકે કાયદાકીય લડત આપવાની પણ તૈયારી દર્શાવી છે. હવે જોવાનું એ રહેશે કે વીજ કંપની પોતાની આ 'ટેકનિકલ ભૂલ' સ્વીકારે છે કે પછી સામાન્ય વેપારીને કચેરીઓના ધક્કા ખાવા પડે છે.
આ પણ વાંચો---- Bhavnagar : અશાંતધારામાં ભ્રષ્ટાચાર મામલે 15 દિવસે ફરિયાદ, મદદનીશ કલેક્ટરે જ પોતાના ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવી