calendar_todayOctober 19, 2026
Mehsana RTO સામે તંત્રનું બુલડોઝર ફર્યું: હાઇવે પરના ગેરકાયદે દબાણો અને એજન્ટોની કેબિનો તોડી પડાઈ!
Mehsana RTO સામે તંત્રનું બુલડોઝર ફર્યું: હાઇવે પરના ગેરકાયદે દબાણો અને એજન્ટોની કેબિનો તોડી પડાઈ!
મહેસાણામાં સ્ટેટ હાઇવે પર આવેલી RTO કચેરી સામે લાંબા સમયથી ખડકાયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. RTO કચેરીની બહાર હાઇવેની સરકારી જમીન પર અડિંગો જમાવીને બેઠેલા એજન્ટો અને ગેરકાયદેસર રીતે ઊભી કરી દેવાયેલી કેબિનોને તોડી પાડીને દૂર કરવામાં આવી હતી. આ દબાણોના કારણે RTO ખાતે આવતા અરજદારોના વાહનો રસ્તા પર જ પાર્ક થતાં હતાં, જેના લીધે હાઇવે પર સતત ટ્રાફિકજામની ગંભીર સમસ્યા સર્જાતી હતી અને સાથે જ અકસ્માતોનું જોખમ પણ તોળાતું હતું.
‘દબાણ દૂર કરવું એ અમારી કામગીરી નથી’: RTO અધિકારીનું મોટું નિવેદન
આ સમગ્ર દબાણ હટાવો ઝુંબેશ વચ્ચે મહેસાણા RTO અધિકારીનું મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે RTO કચેરી બહાર હાઇવે કે સરકારી જમીન પરથી દબાણો દૂર કરાવવા તે RTO વિભાગની સત્તા કે સીધી કામગીરીમાં આવતું નથી. કચેરીની બહાર કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિકની સ્થિતિ જાળવવી એ સ્થાનિક તંત્રની જવાબદારી છે.
બે મહિના અગાઉ જ મહાનગરપાલિકાને રજૂઆત કરી હતી: RTO વિભાગ
RTO અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે હાઇવે પર અનધિકૃત રીતે ખડકાયેલા દબાણો અને કેબિનોના કારણે થતી હાલાકી અંગે RTO વિભાગ દ્વારા બે મહિના અગાઉ જ મહેસાણા મહાનગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. RTO ની આ રજૂઆત અને સ્થાનિકોની ફરિયાદોને ધ્યાને રાખીને આખરે મનપા તંત્ર દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે, જેથી હવે વાહનચાલકોને સુચારુ ટ્રાફિક વ્યવસ્થા મળશે.