android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Modasa: મોડાસામાં એક જ રાતમાં 13થી વધુ દુકાનોનાં તાળાં તૂટયાં, વેપારીઓમાં ભય

calendar_todayMarch 25, 2026

Modasa: મોડાસામાં એક જ રાતમાં 13થી વધુ દુકાનોનાં તાળાં તૂટયાં, વેપારીઓમાં ભય

અરવલ્લી જિલ્લામાં તસ્કરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. મોડાસા શહેરમાં અનેક વખત ઘરફેડ ચોરીઓ, વાહનોની ચોરીઓના બનાવો સામે આવે છે. દરમિયાન સોમવારે મોડી રાત્રે મુખ્ય બજાર વિસ્તારમાં એક સાથે 13 દુકાનોનાં તાળાં તૂટતાં ભયનો માહોલ છવાયો છે. પોલીસ પેટ્રોલિંગના દાવાઓ વચ્ચે ભર બજારમાં આવેલી દુકાનોમાં ચોરીઓ થતાં પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. મોડાસા શહેરમાં સોમવારે રાત્રે તસ્કરોની ટોળકી ઉતરી પડી હોય તેમ એક જ જગ્યાએ 13 દુકાનોનાં તાળાં તોડી તરખાટ મચાવી મૂક્યો હતો. આ ઘટનાએ વેપારીઓ અને સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાવી દીધો છે. શહેરના વ્યસ્ત વિસ્તારમાં આવેલ પાલિકાના શુભ કોમ્પલેક્ષમાં તસ્કરોએ ત્રાટકી એકસાથે 13થી વધુ દુકાનોના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હતો. જૂના પોલીસ સ્ટેશનની નજીક આવેલ અને મોડી રાત સુધી આ વિસ્તારમાં લોકોની અવરજવર રહેતી હોવા છતાંય તસ્કરો દુકાનોનાં તાળાં તોડી જે કંઇ પરચૂરણ સામાન અને નાની મોટી રોકડ મળી તે ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જોકે ચોક્કસ ચોરીનો આંકડો સામે આવ્યો નથી, પરંતુ નાના વેપારીઓને આર્થિક નુકસાન થયું હોવાનું મનાય છે. મંગળવારે વહેલી સવારમાં દુકાનદારો દુકાનો ખોલવા પહોંચ્યા ત્યારે તાળા તૂટેલા જોઈ દંગ રહી ગયા હતા. ઘટના અંગે તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ શરૂ કરી છે. આસપાસના વિસ્તારોમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ એકત્રિત કરી તસ્કરોની ઓળખ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ચોરીની ઘટનાઓમાં વધારો નોંધાયો છે. થોડા દિવસો પહેલાં સોસાયટી વિસ્તારમાં પણ ચોરીના બનાવો બન્યા હતા અને હવે તસ્કરો બજાર વિસ્તારમાં પ્રવેશતા વેપારીઓમાં ભય વધ્યો છે. બીજી તરફ્ શહેરના ભરચક વિસ્તારમાં થયેલ ચોરીના બનાવથી ટાઉન પોલીસની કામગીરી સામે પણ સ્થાનિકો અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ પૂરતું નથી, જેના કારણે તસ્કરોને ખુલ્લેઆમ ચોરી કરવાની તક મળી રહી છે. લોકો માંગ કરી રહ્યા છે કે પોલીસ રાત્રિ પેટ્રોલિંગ વધારે અને લોકોને સુરક્ષા પૂરી પાડવામાં આવે. બીજી તરફ્ શહેરમાં વારંવાર બનતા ચોરીઓના બનાવો અટકાવવા કડક પગલાં ભરવામાં આવે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam