calendar_todayApril 12, 2026
Modasa ભાજપમાં મોટું ગાબડું, 4 સરપંચ સહિત 125 થી વધુ કાર્યકરોએ 'પંજો' પકડ્યો
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના રાજકારણમાં આજે એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ખાસ કરીને લીંભોઈ વિસ્તારમાં ભાજપના મજબૂત ગઢમાં ગાબડું પડ્યું છે. અહીંના ચાર વર્તમાન સરપંચો સહિત 125 થી વધુ સક્રિય કાર્યકરો ભાજપનો સાથ છોડીને વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. આ પક્ષપલટામાં પૂર્વ સરપંચો અને દેશની સેવા કરી પરત ફરેલા નિવૃત્ત આર્મીમેનનો પણ સમાવેશ થાય છે, જેને પગલે સ્થાનિક સ્તરે ભાજપ સંગઠનને મોટો ફટકો પડ્યો છે.
ભાજપની નીતિઓ સામે રોષ
પક્ષપલટો કરનાર કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે તેઓ ભાજપની વર્તમાન નીતિઓ અને કાર્યપદ્ધતિથી નારાજ છે. પાયાના કાર્યકરોની અવગણના થતી હોવાની લાગણી સાથે તેમણે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલની હાજરીમાં આ તમામ કાર્યકરોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા આ ઘટનાને લોકશાહી બચાવવાની લડાઈમાં લોકોનો સાથ મળી રહ્યો હોવાનું ગણાવ્યું હતું.
મોડાસા તાલુકાના રાજકારણમાં ગરમાવો
ચૂંટણીના માહોલ વચ્ચે એકસાથે આટલી મોટી સંખ્યામાં કાર્યકરો અને જનપ્રતિનિધિઓએ પક્ષ બદલતા મોડાસા તાલુકાના રાજકારણમાં ભારે ગરમાવો વ્યાપી ગયો છે. લીંભોઈ પંથક જે ભાજપ માટે મહત્વનો ગણાય છે, ત્યાં જ આટલું મોટું ભંગાણ પડતા આગામી દિવસોમાં સમીકરણો બદલાય તેવી પૂરેપૂરી શક્યતા છે. એક તરફ ભાજપ ડેમેજ કંટ્રોલના પ્રયાસો કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસ આ જોશને વધુ મજબૂત બનાવી રહી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો