calendar_todayApril 21, 2026
Modasa: મતદાનના દિવસે ગરમી 40 - 42 ડિગ્રી રહેશે
સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં મતદાન આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લામાં ઉમેદવારો મતદારોને રિજવવા માટે એપ્રિલ મહિનાની આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે અને દોડધામ કરી રહ્યા છે. સતત પલટાતા વાતાવરણ વચ્ચે હવે ફરીથી ગરમીનો પ્રકોપ શરૂ થયો છે. તા.19 અને તા.20 એપ્રિલના રોજ માવઠું થવાની આગાહી હવામાન વિભાગે કરી હતી. પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટી જતાં હવે આ અઠવાડિયામાં બેથી ત્રણ ડિગ્રી મહત્તમ તાપમાન ઉંચકાઈ શકે છે. ત્યારે તા.26મીએ મતદાનના દિવસે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 40થી 42 ડિગ્રીની આસપાસ રહી શકે છે. જેથી રાજકીય પક્ષો, ઉમેદવારોને પણ મતદાન કેવું રહેશે ? તેને લઇને ચિંતાઓ પેઠી છે. સામાન્ય વાદળછાયા વાતાવરણ બાદ સોમવારથી ઉઘાડ નીકળી જતાં કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે. બપોરના સમયે તો લમણાં શેકાઇ જાય તેવી આકરી ગરમી પડી રહી છે. હાલ ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો છે. હજુ પણ પારો ઉંચકાય તેવી ભીતિ રહેલી હોઇ ચૂંટણીના દિવસે કાળઝાળ ગરમી પડશે તો મતદાનમાં ઘટાડો થવાનો ભય રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારોમાં ઉભો થયો છે. જેના પગલે ઉમેદવારોએ મતદારોને રીઝવવ દોડધામ વધારી દીધી છે. એક તરફ્ લગ્નોની મોસમ પણ શરૂ થઈ છે અને બીજી તરફ્ ગરમીનો પ્રકોપ હોઇ જિલ્લા, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીમાં કેટલું મતદાન થાય છે? તે તો તા.26 એપ્રિલે સાંજે જ જાણી શકાશે. પરંતુ આકરી ગરમીમાં ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર માટે ઉમેદવારો પરસેવો પાડી રહ્યા છે. બીજી તરફ મતદારોમાં પણ ઉદાસિનતા જોવા મળી રહી છે. સ્થાનિક પ્રશ્નો તેમજ અન્ય સમસ્યાઓને લઇને તેઓ પહેલેથી જ પરેશાન છે. તેવામાં સૂરજદાદા મતદાનના દિવસે આગ વરસાવશે તો મતદાનના આંકડાઓ બાજી પલટી શકે તેવી પણ ચિંતા રાજકીય પક્ષો માટે ઉભી થઇ છે. કમોસમી વરસાદ બાદ આમ પણ સૂરજદાદા આકરા પાણીએ છે. જિલ્લામાં ગરમીનો પારો વધી રહ્યો છે. આવી અકળાવી દેનારી ગરમીમાં ખાસ કરીને તાલુકા અને જિલ્લા પંચાયતોના ઉમેદવારો માટે ગામડાં ખૂંદવા ભારે મુશ્કેલ સાબિત થઇ રહ્યાં છે. કાળઝાળ ગરમી વચ્ચે પણ ચૂંટણી પ્રચાર કરવો પડી રહ્યો છે. મતદારોનો સંપર્ક કરતાં સમયે ઉમેદવારો પરસેવો પાડી રહ્યા છે. આગામી દિવસોમાં તાપમાનનો પારો વધવાની શક્યતાઓ છે. જેથી ચૂંટણી પ્રચારનું કાર્ય પણ ઉમેદવારો માટે અકળાવનારું બની રહે તેવી સંભાવનાઓ છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો