calendar_todayOctober 16, 2026
Morbi : વીજલાઈન વળતરના મુદે ચાલતા આંદોલન વચ્ચે પ્રથમવાર ખેડૂતો અને સરકાર વચ્ચે મેરેથોન બેઠક
ખેતીની જમીનમાંથી પસાર થતી વીજલાઇન અને ટાવર ઊભા કરવાના મુદ્દે છેલ્લા ઘણા મહિનાઓથી ચાલતા ખેડૂત આંદોલનમાં હવે સુખદ ઉકેલ આવે તો નવાઈ નહિ. ખેડૂતોના પડતર પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે સરકાર અને ખેડૂત પ્રતિનિધિઓ વચ્ચે એક લાંબી બેઠક યોજાઈ હતી. જેમાં એક સામાજિક સંસ્થાના હોદ્દેદારે મધ્યસ્થીની ભૂમિકા ભજવતા ખેડૂતોએ સરકાર સમક્ષ નુકસાની અને વળતરને લગતા વિવિધ મુદ્દાઓ રજૂ કર્યા છે. સરકારે આ તમામ માંગણીઓ ધ્યાનપૂર્વક સાંભળી હતી. હવે રાજ્યના સર્વોચ્ચ સ્તરેથી આ અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે તેવી આશા બંધાઈ છે. ખેડૂતોની જમીનમાંથી પસાર થતી હાઈટેન્શન વીજલાઇનના વળતર અને કામગીરી દરમિયાન થતા નુકસાનના મુદ્દે મોરબીના જેતપર ગામના ખેડૂતોના નેજા હેઠળ ચાલતી ગુજરાત સત્યાગ્રહ છાવણી દ્વારા છેલ્લા પાંચ મહિનાથી લડત ચાલી રહી છે. આ લડતના ભાગરૂપે 20 જેટલા ખેડૂત પ્રતિનિધિઓ ઓચિંતા જ ગાંધીનગર દોડી ગયા હતા. જ્યાં ઊર્જા મંત્રી, કૃષિ મંત્રી અને અન્ય સંબંધિત ઉચ્ચ અધિકારીઓ સાથે ખેડૂત આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉમિયાધામ-સિદસરના ઉપપ્રમુખે મધ્યસ્થી તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી. ખેડૂતો દ્વારા વળતર અને વીજ પોલ અંગેના 24 જેટલા મુદ્દાઓ પર અઢી કલાક સુધી ઝીણવટભરી અને તકનીકી ચર્ચા કરવામાં આવી હતી. સામાજિક જવાબદારીના ભાગરૂપે મધ્યસ્થી કરનાર આગેવાને સરકાર અને ખેડૂતો વચ્ચે હકારાત્મક સંવાદ પર ભાર મૂક્યો હતો.
આ મેરેથોન મિટિંગમાં સરકાર દ્વારા ખેડૂતોની વેદના અને સમસ્યાઓને સાંભળવામાં આવી હતી. બેઠક પૂર્ણ થયા બાદ ખેડૂત આગેવાન નેહુલભાઈ અમૃતિયા સહિતના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, સરકારે તેમની તમામ રજૂઆતો સાંભળી છે અને હવે મંત્રીઓ દ્વારા તમામ 24 મુદ્દાઓ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ ખેડૂતોને વધુ ચર્ચા માટે બોલાવીને સરકાર પોતાનો નિર્ણય જાહેર કરશે. લાંબા સમયથી પડતર આ પ્રશ્નનો ટૂંક સમયમાં સંતોષકારક નિકાલ આવશે તેવી ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો