android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Morbi News: મંત્રી કાંતિ અમૃતિયાના નિવેદનથી તેમના ભાઈ અને ખેડૂતો લાલઘૂમ, જમીનમાં મશીનરી ઘૂસવા નહીં દઈએ

calendar_todayAugust 23, 2026

Morbi News: મંત્રી કાંતિ અમૃતિયાના નિવેદનથી તેમના ભાઈ અને ખેડૂતો લાલઘૂમ, જમીનમાં મશીનરી ઘૂસવા નહીં દઈએ

મોરબી ખાતે આયોજિત સેફ્ટી સેમિનાર કાર્યક્રમમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ વીજપોલના વળતર મુદ્દે કરેલા એક નિવેદનને કારણે મોટો રાજકીય અને સામાજિક ગરમાવો આવી ગયો છે.ખેતરોમાંથી પસાર થતી વીજલાઈન અને થાંભલાઓ અંગે વાત કરતાં મંત્રીએ દાવો કર્યો હતો કે,થાંભલાના 70 લાખ રૂપિયા આપવામાં આવે છે જે રકમ બિલકુલ ઓછી નથી. થાંભલા અને તાર નાખવાથી સરકાર કાંઈ ખેડૂતોની જમીન સાથે લઈ જવાની નથી.આ મુદ્દે દોડધામમાં પોતાનું બે કિલો વજન ઘટી ગયું હોવાનો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો. 

ખેતરોમાં ગાડીઓ કે મશીનરી ઘૂસવા દેશે નહીં

વળતરની ચોક્કસ રકમ અંગે મંત્રી પોતે જ અસહજ જણાતા હતા અને તેમણે સ્થળ પર ઉપસ્થિત કલેક્ટરને 70 લાખ કે 80 લાખની રકમ અંગે પૂછવું પડ્યું હતું.જેનાથી તેમને વળતર બાબતે પૂરતી માહિતી ન હોવાનું સામે આવ્યું હતું.મંત્રીના આ નિવેદન સામે તેમના જ ભાઈ રાકેશ અમૃતિયાએ તીખી પ્રતિક્રિયા આપતાં વાતાવરણ વધુ ગરમાયું છે.રાકેશ અમૃતિયાએ આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, અમારે 70 કે 80 લાખ રૂપિયા જોઈતા નથી અને અમારી જમીનમાં થાંભલા પણ નથી જોઈતા. ખોટું બોલવાનું બંધ કરો અત્યાર સુધી ક્યાં ગયા હતા? જો સરકાર 4 કરોડ રૂપિયા આપે તો પણ ખેડૂતોને નુકસાન જ છે અને આવું નજીવું વળતર તેમને બિલકુલ મંજૂર નથી.તેમણે સ્પષ્ટ ચીમકી આપી હતી કે તેઓ પોતાના ખેતરોમાં ગાડીઓ કે મશીનરી ઘૂસવા દેશે નહીં.

સ્થાનિક ખેડૂતોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો

બીજી તરફ,મંત્રીના નિવેદનને પગલે સ્થાનિક ખેડૂતોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે.જેતપર સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયેલા ખેડૂતોએ આકરા શબ્દોમાં વિરોધ નોંધાવતા કહ્યું હતું કે,કરોડો રૂપિયાની કિંમતી જમીન સામે સરકાર જે વળતર આપી રહી છે તે અત્યંત મામૂલી છે.ખેડૂતોએ સ્પષ્ટ કર્યું કે તેમને 70 લાખનું વળતર મંજૂર નથી અને તેઓ પોતાની જમીનમાં વીજપોલ કે તાર નાખવા દેશે નહીં.મંત્રીના 70 લાખ વ્હાઈટના આપવાના નિવેદન સામે કટાક્ષ કરતાં ખેડૂતોએ કહ્યું કે, અમારે બધું વ્હાઈટ જ હોય છે અમારે કંઈ બ્લેક હોતું નથી.હાલમાં જેતપર સત્યાગ્રહ છાવણીમાં ખેડૂતોના આ આંદોલનને સતત જનસમર્થન સાંપડી રહ્યું છે અને વળતર મુદ્દે આંદોલન વધુ ઘેરૂ બની રહ્યું છે.

આ પણ વાંચોઃ Gandhinagar News: ગુજકોમાસોલ ટેકાના ભાવે જણસ ખરીદે તો ખેડૂતને ફાયદો થાય, પુરવઠા નિગમ ખરીદે તો ના થાયઃ દિલીપ સંઘાણી