calendar_todayMarch 20, 2026
Morbi News: "માર્વેલસ મોરબી 2.0": 1132 કરોડનું ભવ્ય બજેટ રજૂ, પ્રવાસન અને આધુનિક સુવિધા પર મૂકાયો ભાર
મોરબી મહાનગરપાલિકા દ્વારા આગામી નાણાકીય વર્ષ 2026-27 માટે વિકાસના નવા આયામો સર કરતું "માર્વેલસ મોરબી 2.0" થીમ આધારિત બજેટ રજૂ કરવામાં આવ્યું છે. મોરબી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા રજૂ કરવામાં આવેલું આ જમ્બો બજેટ રૂ. 1132.38 કરોડનું છે, જે ગત વર્ષના રૂ. 783.02 કરોડના બજેટની સરખામણીએ મોટો ઉછાળો દર્શાવે છે.
લોકશાહીનો અનોખો અભિગમ
આ વર્ષના બજેટની સૌથી મોટી વિશેષતા "સિટીઝન બજેટ" છે. વહીવટી તંત્ર દ્વારા પારદર્શકતા લાવવા માટે નાગરિકો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા. કુલ 149 સૂચનોમાંથી 64 મહત્વપૂર્ણ સૂચનોનો બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જે મોરબીના વિકાસમાં જનભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
બજેટની મુખ્ય ફાળવણીઓ
- મૂળભૂત સુવિધા: વોટરવર્ક માટે રૂ. 29.42 કરોડ, ડ્રેનેજ પ્રોજેક્ટ્સ માટે રૂ. 15.69 કરોડ અને સિટી બ્યુટિફિકેશન માટે રૂ. 14.55 કરોડ ફાળવાયા છે.
- પર્યાવરણ અને સફાઈ: શહેરમાં રૂ. 78 કરોડના ખર્ચે 2 નવા STP (સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) બનાવવામાં આવશે.
- શિક્ષણ અને રમતગમત: મોર્ડન લાઈબ્રેરી માટે રૂ. 30 કરોડ અને કેસરબાગ ખાતે મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે રૂ. 10.27 કરોડની જોગવાઈ કરાઈ છે.
- પ્રવાસન અને હેરિટેજ: શહેરના તળાવોના સૌંદર્યીકરણ માટે રૂ. 72 કરોડ અને હેરિટેજ વિકાસ માટે રૂ. 15 કરોડ ખર્ચાશે. મણીમંદિર ખાતે રૂ. 3.19 કરોડના ખર્ચે આકર્ષક થ્રીડી ડાયનેમિક લાઈટ એન્ડ સાઉન્ડ શો તૈયાર થશે.
આ ઉપરાંત પશુઓ માટે રૂ. 5 કરોડના ખર્ચે એનિમલ હોસ્ટેલ અને શહેરની રોનક વધારવા રૂ. 5 કરોડની ડાયનેમિક લાઈટિંગની સુવિધા પણ બજેટમાં નિર્ધારિત કરવામાં આવી છે. આ બજેટથી મોરબીના આંતરમાળખાકીય વિકાસને નવી ગતિ મળશે તેવી આશા છે.
આ પણ વાંચો - Gujarat Latest News Live : તાલાલા પંથકમાં ભારે પવન સાથે માવઠું, તૈયાર કેસર કેરી ખરી પડતા ખેડૂતો બેહાલ