android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Mumbai Lift Crash: ભાયખલાના રહેણાંક ટાવરમાં ભયાનક અકસ્માત, લિફ્ટ તૂટી પડતાં 5 લોકો ઘાયલ

calendar_todayFebruary 12, 2026

Mumbai Lift Crash: ભાયખલાના રહેણાંક ટાવરમાં ભયાનક અકસ્માત, લિફ્ટ તૂટી પડતાં 5 લોકો ઘાયલ

આર્થિક રાજધાની મુંબઈના ભાયખલા વિસ્તારમાં બુધવારે રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મધ્ય મુંબઈના ઘોડાપદેવ ક્રોસ લેન નંબર 1 પર સ્થિત 'જય કૃપા ટાવર' નામની 18 માળની રહેણાંક ઇમારતમાં લિફ્ટ તૂટી પડતાં પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

કેવી રીતે સર્જાયો અકસ્માત?

મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમ અને ફાયર બ્રિગેડ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ અકસ્માત રાત્રે આશરે 10:00 વાગ્યાની આસપાસ થયો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે લિફ્ટના કેબલમાં અચાનક ખામી સર્જાઈ હતી અથવા કેબલ તૂટી ગયો હતો, જેના કારણે લિફ્ટ અનિયંત્રિત થઈને ચોથા માળેથી સીધી નીચે ખાબકી હતી. લિફ્ટમાં સવાર મુસાફરોને બચાવવાની તક મળે તે પહેલા જ લિફ્ટ જમીનદોસ્ત થઈ ગઈ હતી.

બચાવ અને રાહત કામગીરી

ઘટનાની જાણ થતા જ મુંબઈ ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ, બેસ્ટ (BEST) ના કર્મચારીઓ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. સ્થાનિક વોર્ડ સ્ટાફની મદદથી લિફ્ટમાં ફસાયેલા પાંચેય ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા. રાહત કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા પાંચ વ્યક્તિઓને તાત્કાલિક અલગ-અલગ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં ડોક્ટરોની ટીમ તેમની દેખરેખ રાખી રહી છે. જોકે, અધિકારીઓએ જણાવ્યું છે કે ઘાયલોની ચોક્કસ તબિયત અને ઈજાની ગંભીરતા વિશે હજુ સુધી વિગતવાર બુલેટિન બહાર પાડવામાં આવ્યું નથી.

તંત્ર દ્વારા તપાસ

આ ઘટનાએ બહુમાળી ઇમારતોમાં લિફ્ટની જાળવણી અને સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. શું લિફ્ટનું નિયમિત ઓડિટ કરવામાં આવ્યું હતું કે કેમ, તે દિશામાં પોલીસ અને વહીવટીતંત્ર તપાસ કરી રહ્યું છે. ટાવરના રહીશોમાં આ ઘટના બાદ ભારે ભય અને રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ Railwayમાં મુસાફરી કરનારાં લોકો માટે માઠા સમાચાર, બે વંદે ભારત ટ્રેનો થશે બંધ!જાણો શું છે કારણ?