android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Nadiad: સગીરા પર દૂષ્કર્મ, આરોપીને 20 વર્ષની કેદ

calendar_todayFebruary 18, 2026

Nadiad: સગીરા પર દૂષ્કર્મ, આરોપીને 20 વર્ષની કેદ

સગીરા પર દુષ્કર્મ કેસમાં કઠલાલના લસુન્દ્રાના ઈસમને 20 વર્ષની સખત કેદની સજા અને 7500 દંડ ફટકારતો ચુકાદો કપડવંજ સેશન્સ અદાલત દ્વારા આપવામાં આવ્યો છે. ઈસમ એક વર્ષ અગાઉ પંથકની એક સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. જ્યાં તેણે સગીરા પર અવારનવાર તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું.

કઠલાલ તાલુકાના લસુન્દ્રા બાજપાઈનગરમાં રહેતો મહેશ બળવંતભાઈ સોલંકી (ઉં.વ.19) ગત તા.17 માર્ચ 2025ના રોજ રાત્રીના સુમારે કઠલાલ તાલુકાના એક ગામમાં રહેતી 15 વર્ષીય સગીરાને લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી ગયો હતો. મહેશ સોલંકી સગીરાને ભગાડીને પંચમહાલ જિલ્લાના પાવાગઢ બસ સ્ટેન્ડ પાછળ આવેલ જગ્યા અને ગળતેશ્વર પંથકમાં લઈ ગયો હતો. જ્યાં તા.17થી તા.24 માર્ચ 2025 સુધી સગીરા પર તેની મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બનાવ મામલે કઠલાલ પોલીસ મથકે સગીરાના વાલી દ્વારા મહેશ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે બીએનએસ અને પોકસો એકટની જુદી જુદી કલમો મુજબ ગુનો નોંધી કોર્ટમાં ચાર્જશીટ કરી હતી. કેસ કપડવંજ સેશન્સ અદાલતમાં ચાલી જતા ભોગ બનનાર સગીરાની જુબાની, મેડિકલ એવિડન્સ, ભોગ બનનારનું 164 રુબરુ નિવેદન, 20 થી વધુ દસ્તાવેજી પુરાવા અને 07 મૌખિક પુરાવા, સરકારી વકીલ મિનેષ આર.પટેલની દલીલોને અદાલતે ધ્યાને લીધી હતી. અને આ કેસમાં સેશન્સ (સ્પે.પોકસો) અદાલતના જજ કે.એસ.પટેલે મહેશ સોલંકીને બીએનએસ કલમ 137ના ગુનામાં ચાર વર્ષની સાદી કેદની સજા, 2500 રુ.નો દંડ, દંડ ન ભરે તો વધુ બે માસની સાદી કેદની સજા, પોકસો એકટની કલમ 6ના ગુનામાં 20 વર્ષની સખત કેદની સજા, 5 હજારનો દંડ, દંડ ન ભરે તો વધુ પાંચ માસની સાદી કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો.

ભોગ બનનાર સગીરાને 4 લાખનું વળતર ચુકવવા હુકમ

ગુજરાત વિકટીમ કોમ્પેન્સેશન સ્કીમ 2019ની જોગવાઈઓ મુજબ ભોગ બનનાર સગીરાને ચાર લાખ ચુકવવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, નડિયાદને યાદી કરવા. આ રકમ પૈકી 75 ટકા રકમ સગીરાને પાંચ વર્ષ માટે રાષ્ટ્રીયકૃત બેંકમાં જમા રાખવી, તેનું વ્યાજ ભોગ બનનારને ચુકવવું તથા બાકીની રકમ જરૂરી ઓળખ અંગેના આધાર પુરાવાની ખાતરી કરી એકાઉન્ટ પેથી ચૂકવી આપવા હુકમ કર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો