calendar_todayJanuary 9, 2026
Nadiad: ખેડા જિલ્લામાં 24 સીએસસી સેન્ટરોના આઈડી બ્લોક
ખેડા જિલ્લામાં કોમન સર્વિસ સેન્ટર (સી.એસ.સી) ખાતે નિયમોના પાલન મુદ્દે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે.
નક્કી કરેલા નિયમોના ભંગ કરનારા 24 જેટલા સેન્ટરોના લોગિન આઇડી તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા છે.જેને લઇને વીએલઇના સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
જિલ્લા સીએસસી મેનેજર ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લા હાલમાં 1200 થી વધુ સીએસસી સેન્ટરો કાર્યરત છે. નાગરિકોને વિવિધ સરકારી અને અર્ધ સરકારી સેવાઓ ઓનલાઇન પૂરી પાડવાની કામગીરી કરવામાં આવી છે. જો કે છેલ્લા કેટલાક સમયથી કેટલીક ફરિયાદો અને આંતરિક તપાસ દરમિયાન સામે આવ્યું હતું. જેમાં ઘણા સેન્ટરો પર નિયમોનું યોગ્ય પાલન થતું ન હતું.ખાસ કરીને રેટ લિસ્ટ ન લગાવવું અને પોલીસ ક્લિયરન્સ સર્ટીફિકેટ (પીસીસી) વિગેરે કામગીરીના નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો હતો. આ બાબત ધ્યાને આવતાં પ્રાથમિક તબક્કે જિલ્લાના 24 કોમન સર્વિસ સેન્ટર (સી.એસ.સી)ના આઇડી બ્લોક કરીને તેમની કામગીરી અટકાવી દેવામાં આવી છે. તેઓએ વધુમાં જણાવ્યુ ંહતું કે, જે સેન્ટરો પાસે સ્થાયી ઓફિસ નથી, સરકાર દ્વારા નિર્ધારિત રેટ ચાર્ટ પ્રદર્શિત કરવામાં આવ્યા નથી . આ બાબતે તેમની સામે આ ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે. આ ઉપરાંત સીએસસી સંચાલકો એટલે વીએલઇ મિત્રો માટે હવે કડક માર્ગદર્શિકા અમલી બનાવવામાં આવી છે. દરેક સંચાલકે પોતાના સેન્ટર ફરજિયાત પણે બોર્ડ લગાવવા રહશે અને ગ્રાહકો જોઇ શકે તે રીતે સર્વિસ ચાર્જનું લિસ્ટ બોર્ડ મૂકવું પડશે. સૌથી મહત્વની બાબત એ છે કે દરેક સંચાલક પાસે પોલીસ ક્લિયરન્સ સર્ટીફિકેટ (પીસીસી) હોવું અનિવાર્ય છે. જો કોઇ સંચાલક આ નિયમોનો ભંગ કરશે તો તેમનું આઇડી પણ બ્લોક કરી દેવામાં આવશે. જયારે ડિજિટલ સેવાઓના નામે નાગરિકો સાથે છેતરપિંડી કે અનિયમિતતા સાંખી લેવામા આવશે નહી અને જરૂર પડયે તો સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. તેમ મનેજરે ઉમેર્યું હતું.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો