android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Narmada News : એકતાનગરના આકાશમાં રંગોનો મેળો, SOU ખાતે 'આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ

calendar_todayJanuary 11, 2026

Narmada News : એકતાનગરના આકાશમાં રંગોનો મેળો, SOU ખાતે 'આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ

નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે ભવ્ય 'આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ–2026'નું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટીતંત્ર, ગુજરાત પ્રવાસન નિગમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુક્ત ઉપક્રમે ડેમ વ્યૂ પોઇન્ટ–1 ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. આ મહોત્સવનું ઉદ્ઘાટન રાજ્યકક્ષાના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના સાનિધ્યમાં ગુજરાતની જીવંત સંસ્કૃતિ અને પરંપરાને વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરી હતી.

ગુજરાતની સંસ્કૃતિને મળ્યું વૈશ્વિક મંચ

આ વર્ષના મહોત્સવમાં કુલ 21 દેશોના ૪૫ વિદેશી પતંગબાજો અને ભારતભરના વિવિધ રાજ્યોના ૩૪ પતંગબાજો મળી કુલ 79 કલાકારોએ ભાગ લીધો હતો. આકાશમાં લહેરાતા અવનવા આકારના અને રંગબેરંગી પતંગોએ પ્રવાસીઓ તેમજ સ્થાનિક નાગરિકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. વિશાળ પતંગોના કરતબો જોઈને લોકોમાં ભારે ઉત્સાહ અને આનંદનું વાતાવરણ જોવા મળ્યું હતું. આંતરરાષ્ટ્રીય સ્તરે આ પ્રકારના આયોજનથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રવાસન ક્ષમતામાં વધારો થયો છે અને પતંગબાજીની પરંપરાને એક નવું આયામ મળ્યું છે.

આ પણ વાંચો : Mehsana News : ખેરાલુ નાગરિક બેંકની ચૂંટણી પર ફરી ગ્રહણ, હાઇકોર્ટે સ્ટે આપતા બીજી વાર ચૂંટણી મોકૂફ