calendar_todayJuly 31, 2026
Navsariમાં ભારે વરસાદથી પૂરનું સંકટ તોળાયું, 2 હજાર લોકોનું સ્થળાંતર અને લાઉડસ્પીકરથી એલર્ટ આપ્યું
નવસારી જિલ્લા સહિત ઉપરવાસના વિસ્તારોમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે નવસારી શહેર માથે ફરી એકવાર પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે. અનરાધાર વરસાદના કારણે શહેરના મુખ્ય રસ્તાઓ જળબંબાકાર થઈ જતાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખાસ કરીને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે.
પાણી ભરાતાં 2 હજાર લોકોનું સ્થળાંતર
શહેરના શાંતાદેવી રોડ અને તાંસકર નગર જેવા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. સતત વધતા જળસ્તરને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે તાત્કાલિક પગલાં ભરવામાં આવ્યા છે. જિલ્લાના વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા આશરે 2000 જેટલા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે, જેથી કોઈ મોટી જાનહાનિ ટાળી શકાય.
તંત્ર દ્વારા લોકોને સતર્ક રહેવા અપીલ
ઉપરવાસમાં વરસાદનું જોર યથાવત રહેતાં પૂરની સ્થિતિ વધુ ગંભીર ન બને તે માટે તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં લાઉડસ્પીકર મારફતે લોકોને સતર્ક રહેવા અને જરૂર પડે તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા સૂચનાઓ આપવામાં આવી રહી છે. પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર પૂર્ણ નજર રાખવામાં આવી રહી છે અને તમામ ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.