android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
NEET Exam 2026 Cancel : પેપર લીકમાં દોષિતોને કેટલી મળશે સજા, જાણો શું છે જોગવાઈ?

calendar_todayMay 12, 2026

NEET Exam 2026 Cancel : પેપર લીકમાં દોષિતોને કેટલી મળશે સજા, જાણો શું છે જોગવાઈ?

ભારતની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET 2026 રદ્દ થવાના સમાચારથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ચિંતા અને રોષનો માહોલ સર્જાયો છે. પરીક્ષામાં પેપર લીક અને ગેરરીતિના આરોપો બાદ આ મુદ્દો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ દરમિયાન કેન્દ્ર સરકારના નવા કાયદાને લઈને પણ ચર્ચા તેજ બની છે, જેમાં પેપર લીક કરનારાઓ સામે કડક જોગવાઈઓ કરવામાં આવી છે.

2024માં અધિનિયમ અમલમાં આવ્યો

ભારત સરકારે ભરતી પરીક્ષાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ રોકવા માટે ‘જાહેર પરીક્ષા (અનુચિત સાધનોની રોકથામ) અધિનિયમ, 2024’ અમલમાં મૂક્યો છે. આ કાયદો ફેબ્રુઆરી 2024માં સંસદ દ્વારા પાસ કરવામાં આવ્યો હતો અને તેની જોગવાઈઓ જૂન 2024થી લાગુ કરવામાં આવી છે. કાયદાનો મુખ્ય હેતુ પેપર લીક, નકલ મફિયા અને પરીક્ષામાં ગોટાળો કરનાર સંગઠિત ગેંગ્સ સામે કડક કાર્યવાહી કરવાનો છે.

જેલ અને દંડ બંને થઈ શકે

નવા કાયદા મુજબ, જો કોઈ વ્યક્તિ પરીક્ષાનું પેપર લીક કરે અથવા જવાબવહી સાથે છેડછાડ કરે તો તેને ઓછામાં ઓછી 3 વર્ષની જેલ થઈ શકે છે. ગુનાની ગંભીરતા અનુસાર આ સજા 10 વર્ષ સુધી વધારી શકાય છે. સાથે જ આરોપીઓ પર 10 લાખ રૂપિયાથી લઈને 1 કરોડ રૂપિયા સુધીનો ભારે દંડ પણ ફટકારવામાં આવી શકે છે. કોર્ટ ઈચ્છે તો જેલ અને દંડ બંને સજા એકસાથે આપી શકે છે.

બિનજામીનપાત્ર છે ગુનો

સરકારે આ ગુનાને બિનજામીનપાત્ર શ્રેણીમાં મૂક્યો છે. એટલે કે આરોપીઓને સરળતાથી જામીન નહીં મળે. એટલું જ નહીં, જો કોઈ પરીક્ષા એજન્સી, સંસ્થા અથવા સર્વિસ પ્રોવાઈડરની ભૂમિકા પેપર લીકમાં સામે આવશે તો તેમના સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. દોષી સાબિત થયેલ સર્વિસ પ્રોવાઈડર પર 1 કરોડ રૂપિયા સુધીનો દંડ લગાવી શકાય છે અને પરીક્ષા યોજવાનો સમગ્ર ખર્ચ પણ તેની પાસેથી વસૂલવામાં આવી શકે છે.

ગુનામાં સામેલ લોકોની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી શકે

કાયદામાં સંગઠિત ગેંગ્સ માટે વધુ કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. જો તપાસમાં સાબિત થાય કે પેપર લીક કોઈ ગેંગ અથવા સંગઠિત નેટવર્ક દ્વારા કરવામાં આવ્યું છે તો આરોપીઓને 5થી 10 વર્ષની જેલ અને 1 કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. ઉપરાંત ગુનામાં સામેલ લોકોની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી શકે છે.

આ નવો કાયદો માત્ર NEET સુધી મર્યાદિત નથી, પરંતુ UPSC, SSC, રેલવે ભરતી પરીક્ષાઓ અને અન્ય તમામ કેન્દ્રીય સ્પર્ધાત્મક પરીક્ષાઓ પર પણ લાગુ પડે છે. સરકારનો દાવો છે કે આ કાયદા દ્વારા પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા આવશે અને મહેનત કરનાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખેલખલ કરનારાઓ સામે કડક કાર્યવાહી થશે. હાલમાં NEET 2026 રદ્દ થયા બાદ લાખો વિદ્યાર્થીઓ નવી પરીક્ષા તારીખ અને આગળની પ્રક્રિયાની રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો : NEET-UG 2026 Re-Exam: તમારા બધા પ્રશ્નોના જવાબ