android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
NEET Paper Leak મામલે NTAના ડીજીએ કહ્યું 'વિદ્યાર્થીઓના હિતમાં લેવાયો નિર્ણય, પરીક્ષાની નવી તારીખ જલદી જાહેર કરાશે'

calendar_todayMay 12, 2026

NEET Paper Leak મામલે NTAના ડીજીએ કહ્યું 'વિદ્યાર્થીઓના હિતમાં લેવાયો નિર્ણય, પરીક્ષાની નવી તારીખ જલદી જાહેર કરાશે'

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ મોટો નિર્ણય લેતાં 3 મેના રોજ યોજાયેલી NEET-UG 2026 પરીક્ષા પેપર લીકના આરોપોને કારણે રદ્દ કરી દીધી છે અને ફરીથી પરીક્ષા યોજવાની જાહેરાત કરી છે. NTAના મહાનિર્દેશક અભિષેક સિંહે જણાવ્યું કે આ નિર્ણય વિદ્યાર્થીઓ, વાલીઓ અને ખુદ એજન્સી માટે ખૂબ જ મુશ્કેલ અને અપ્રિય છે, પરંતુ પરીક્ષાની પારદર્શિતા સાથે કોઈપણ પ્રકારનો સમાધાન શક્ય નથી.


7 મેની રાત્રે કેટલાક વોટ્સએપ મેસેજ મળ્યા હતા

અભિષેક સિંહે જણાવ્યું કે 7 મેની રાત્રે કેટલાક વોટ્સએપ મેસેજ મળ્યા હતા, જેમાં NEETના પ્રશ્નપત્ર જેવા પ્રશ્નો શેર કરવામાં આવ્યા હતા. આ મેસેજ તાત્કાલિક કાયદા અમલ એજન્સીઓને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. પરીક્ષા દિવસે કોઈ ગેરરીતિની ફરિયાદ મળી નહોતી અને પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી, પરંતુ ગંભીર આરોપોને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરવામાં આવી.

સમગ્ર મામલો હવે CBIને સોંપવામાં આવ્યો

8 અને 9 મેના રોજ તપાસ એજન્સીઓએ આ મેસેજની તપાસ કરી અને 10 તથા 11 મે સુધીમાં કેટલાક આરોપ સાચા હોવાનું જણાયું. ત્યારબાદ NTAએ નિર્ણય લીધો કે જો પરીક્ષાની નિષ્પક્ષતા પર થોડો પણ શંકા ઉભો થાય તો પરીક્ષા રદ્દ કરવી યોગ્ય છે. સમગ્ર મામલો હવે CBIને સોંપવામાં આવ્યો છે, જે તપાસ કરશે કે ગેરરીતિ એક રાજ્ય સુધી મર્યાદિત હતી કે અનેક રાજ્યોમાં ફેલાઈ હતી.

નાસિકની એક પ્રિન્ટિંગ પ્રેસના નામ અંગે પૂછાયેલા સવાલ પર NTA DGએ કહ્યું કે તપાસ પૂર્ણ થયા વગર કોઈ નિષ્કર્ષ કાઢવો યોગ્ય નથી. તેમણે જણાવ્યું કે એજન્સીએ અગાઉ પણ 120 ટેલિગ્રામ ચેનલો બ્લોક કરી હતી અને પરીક્ષા દરમિયાન સતત નજર રાખવામાં આવી હતી.

ફરી પરીક્ષા માટે રજિસ્ટ્રેશનની જરૂર રહેશે નહીં

NTAએ સ્પષ્ટ કર્યું છે કે ફરી યોજાનારી NEET-UG 2026 પરીક્ષા માટે વિદ્યાર્થીઓને ફરીથી રજિસ્ટ્રેશન કરવાની જરૂર નહીં પડે. અગાઉ ભરેલા ફોર્મ અને પસંદ કરેલા પરીક્ષા કેન્દ્ર જ માન્ય રહેશે. સાથે જ અગાઉ લેવામાં આવેલી ફી પણ વિદ્યાર્થીઓને પરત કરવામાં આવશે. એજન્સીએ કહ્યું કે આ નિર્ણયથી આર્થિક ભાર પડશે, પરંતુ હેતુ પારદર્શક અને ન્યાયસંગત પરીક્ષા પ્રક્રિયા જાળવવાનો છે.


આ પણ વાંચો : NEET Paper Leak Case : પેપર લીક મામલે નાસિક કનેક્શન આવ્યું સામે, એક શંકાસ્પદને લેવાયો કસ્ટડીમાં